સુરત: સુરતના લોકો પોતાની જિંદગીમાં આવતા પ્રસંગોને યાદગાર બનાવવા માટે અનેક પ્રકારના પ્રયોગો અને પ્રયાસો કરતા હોય છે, ત્યારે સુરતના એક યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે. દેશની આઝાદીને 75 વર્ષ થયા છે અને તેનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે તેને યાદ કરવા સાથે આઝાદી આપનારા લડવૈયાઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે.
દેશ અને દુનિયામાં સુરત શહેર અલગ-અલગ વાતોને લઈને જાણીતું છે, ત્યારે સુરતના લોકો હંમેશા કંઈક અવનવું કરવા માટે ટેવાયેલા છે. હાલ ભારત દેશના આઝાદીના 75 વર્ષને લઈને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરતના યુવકે આ દેશ આઝાદ થયાના 75 વર્ષની ઉજવણી પોતાના ઘરમાં આવેલા લગ્ન પ્રસંગમાં લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કર્યો છે. દેશની આઝાદીમાં લડવૈયા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહનો મહત્વનો ભાગ રહ્યો છે, ત્યારે તેમને કેમ ભુલાય? એટલે જ સુરતના યુવાને પોતાની દિલમાં રહેલો દેશ પ્રત્યેનો પ્રેમ પોતાની લગ્નની કંકોત્રી પર ઉતાર્યો છે.
દેશની આઝાદીના લવૈયાઓને લોકો યાદ કરે એ માટે પોતાની લગ્ન કંકોત્રીમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. આ કંકોત્રી જ્યાં-જ્યાં જઈ રહી છે તે કંકોત્રીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. આટલું જ નહીં, આજના નવ યુવાનો લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવતા હોય છે. જેને લઈને યુવકે આ ખોટો ખર્ચો બચાવી આજ પૈસામાંથી ટ્રાઈબલ વિસ્તારમાં આવેલા ગરીબોને જમાડવા સાથે તેમને મદદ થાય તે પ્રકારના પ્રયાસો કર્યા છે. આ યુવકે લગ્ન બાદ પણ ફરી એક વખત આ ટ્રાયબલ વિસ્તારના છોકરાઓ સાથે જમવાનું અને તેમને આર્થિક મદદ થાય તે પ્રકારનું પણ આયોજન કર્યું છે.