સુરત: શહેરની પાંડેસરા પોલીસે ઘરફોડ, ધાડ અને ચપ્પુની અણીએ લૂંટ ચલાવતી આંતર-રાજ્ય ગેંગને ઝડપી પાડી છે. ગેંગના પાંચ સાગરીતોની પાંડેસરા પોલીસે ધરપકડ કરી ચોપડે નોંધાયેલા છ જેટલા ધાડ, ઘરફોડ સહિત લૂંટ જેવા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મધ્યપ્રદેશની આંતર-રાજ્ય ગેંગ પાસેથી પોલીસે 2.95 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગેંગના અન્ય બે સાગરીતોને ઝડપી પાડવા પોલીસની અલગ ટીમ કામે લાગી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અલગ-અલગ સોસાયટીઓમાં છેલ્લા દોઢ માસ દરમિયાન ઘરફોડ, ધાડ, ચોરી સહિત રાહદારીને ચપ્પુ બતાવી મોબાઇલની લૂંટ ચલાવવી જેવા ગુના નોંધાયા હતા. જે ગુનાની તપાસ કરી રહેલી પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી હતી. પાંડેસરા પોલીસે મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશની આંતર-રાજ્ય ગેંગના પાંચ સાગરીતોને ભેસ્તાન સ્થિત સિદ્ધાર્થ નગર નહેર ખાતેથી ઝડપી પાડ્યા હતા. જે આરોપીઓની તલાસી લેતાં ઘાતક હથિયારો, દેશી હાથ બનાવટનો કટ્ટો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2.95 લાખની મત્તા કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં આરોપીઓએ પાંડેસરા વિસ્તારમાં આવેલી અલગ-અલગ સોસાયટીઓમાં ધાડ, ઘરફોડ સહિત લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આમ, પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા 6 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. ગેંગના અન્ય સાગરીતો પણ હાલ પોલીસ પકડથી દૂર છે. જે શખ્સોને ઝડપી પાડવામાં પોલીસની અલગ ટીમ કામે લાગી છે. પાંડેસરા પોલીસની ઉમદા કામગીરી બદલ પોલીસ કમિશનરે 25 હજારના ઈનામની જાહેરાત કરી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીના પગલે શહેરમાં ક્રાઈમ રેશિયો ખૂબ જ ઓછો છે. જેની સાથે ડિટેક્શન રેસિયો ખૂબ મોટો છે. પકડાયેલા આરોપીઓની તપાસમાં વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.