Home /News /surat /અત્તર વેચતા યુવકને આઇટી વિભાગે 28 કરોડની નોટિસ ફટકારી, પાકિસ્તાન-ચીન-અફઘાનિસ્તાન માલ એક્સપોર્ટ કર્યાનો ઉલ્લેખ

અત્તર વેચતા યુવકને આઇટી વિભાગે 28 કરોડની નોટિસ ફટકારી, પાકિસ્તાન-ચીન-અફઘાનિસ્તાન માલ એક્સપોર્ટ કર્યાનો ઉલ્લેખ

જેને નોટિસ પાઠવી તે અત્તર વેચનાર યુવક

સુરતમાં ફૂટપાથ અને મસ્જિદ બહાર અત્તર વેચી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને આઇટી વિભાગ દ્વારા રૂપિયા 28 કરોડનું અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં માલ એક્સપોર્ટ કર્યો હોવાની નોટિસ આપવામાં આવતા યુવક અને તેનો પરિવાર ચોંકી ઉઠ્યો છે.

સુરતઃ શહેરમાં ફૂટપાથ અને મસ્જિદ બહાર અત્તર વેચી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને આઇટી વિભાગ દ્વારા રૂપિયા 28 કરોડનું અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનમાં માલ એક્સપોર્ટ કર્યો હોવાની નોટિસ આપવામાં આવતા યુવક અને તેનો પરિવાર ચોંકી ઉઠ્યો છે. વર્ષ 2018માં યુનુસ ચક્કીવાલા નામના શખ્સને લોન માટે આપેલા દસ્તાવેજી કાગળોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ યુવકે કર્યો છે. આઇટી વિભાગ તરફથી મળેલી નોટિસને લઈ યુવક અને તેનો પરિવાર દોડતો થયો છે, જ્યાં વકીલ મારફતે આ મામલે ક્રિમિનલ પ્રોસિઝર કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઓવૈસ સોપારીવાળા શહેરના ફૂટપાથ અને મસ્જિદ બહાર બેસી અત્તરનો ધંધો કરે છે. માત્ર મહિને 12થી 13 હજાર રૂપિયાની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મોહમ્મદ ઓવૈસ સોપારીવાળાને આઇટી વિભાગની રૂપિયા 28 કરોડની નોટિસ મળી છે. આઇટી વિભાગ દ્વારા પાઠવવામાં આવેલી નોટીસને લઈ મોહમ્મદ ઓવૈસ સોપારીવાળા અને તેના પરિવાર દોડધામ વધી ગઈ છે. આઇટી વિભાગની નોટિસ મળતા જ મહંમદ ઓવૈસ સોપારીવાળા અને તેના પિતા દ્વારા વકીલ નદીમ ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો.



આ અંગે મહંમદ ઓવૈસ સોપારીવાળાએ જણાવ્યુ હતુ કે, ‘15 દિવસ પહેલાં આ નોટિસ મળી છે. અત્તરનો ધંધો કરી મહિને માત્ર 12થી 13 હજાર રૂપિયાની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવીએ છે. આઇટી વિભાગ તરફથી મળેલી નોટિસને લઈને અમે નદીમ ચૌધરીનો સંપર્ક કર્યો છે.’ વર્ષ 2018માં યુનુસ ચક્કીવાળાએ રૂપિયા 50,000ની લોન અપાવવા માટે મારા ડોક્યુમેન્ટ્સ લીધા હતા. જે ડોક્યુમેન્ટસનો દુરુપયોગ થયો હોવાની આશંકા છે. જેથી આ મામલે પોલીસ કમિશનર કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



બીજી તરફ, વકીલ નદીમ ચૌધરીએ જણાવ્યુ છે કે, ‘આઇટી વિભાગની નોટિસમાં મોહમ્મદ ઓવૈસ સોપારીવાળાએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન ખાતે રૂપિયા 28 કરોડનો માલ એક્સપોર્ટ કર્યો છે. પરંતુ કયો માલ એક્સપોર્ટ કર્યો છે તેનો કોઈ ઉલ્લેખ નોટિસમાં કરવામાં આવ્યો નથી. આ નોટિસનો જવાબ જો નહીં આપવામાં આવે તો કેસ એસેસમેન્ટમાં જઈ શકે છે. જેથી હાલ તો ક્રિમિનલ પ્રોસેસ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં મોહમ્મદ ઓવેશ સોપારીવાળાના ડોક્યુમેન્ટસનો દુરુપયોગ થયો હોવાની પૂરેપૂરી આશંકા છે. જેથી આ મામલે તપાસ થાય તે માટે ક્રિમિનલ પ્રોસેસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ ઓવેશ સોપારીવાળાને અગાઉ પણ જીએસટી વિભાગ તરફથી નોટિસ મળી હતી. જે અંગે પણ તેઓએ જીએસટી વિભાગ સમક્ષ પોતાનો ખુલાસો કર્યો હતો.’
Published by:Vivek Chudasma
First published:

Tags: Income tax department, Surat news