સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવેલી મહિલા આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગઈ. મહિલા આરોપીને પાસાના કેસમાં અમદાવાદથી સુરતની લાજપોર જેલમાં લાવવામાં આવી હતી.
અમદાવાદમાં પાસાના કેસમાં મીરા સીનારા નામની મહિલા આરોપીને સુરતની લાજપોર જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. 9મીના રોજ અનેક બીમારીઓથી પીડિત મીરાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ.
મીરા સીનારાના બંદોબસ્તમાં હેડકવાર્ટરની પોલીસને જવાબદારી સોંપાઈ હતી. તે દરમિયાન 23 ઓગસ્ટની સાંજે મીરા સિવિલ હોસ્પિટલના ચોથા માળે આવેલા એમડીઆર વોર્ડમાંથી નાસી છૂટી છે.
વોર્ડમાંથી પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયેલી મીરા સામે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ સામે પણ ગુનો નોંધાયો છે.
સુરત એસીપી જે કે પંડ્યાએ જણાવ્યું કે, સુરત પોલીસના જાપ્તામાંથી એક મહિલા આરોપી ચકમો આપીને ફરાર થઇ જતા પોલિસની બેદરકારી સામે આવી છે, હાલ તો ખટોદરા પોલીસે બેદરકારી દાખવનાર પોલીસ કર્મી સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.