Home /News /surat /

સુરત: 19 લાખના હીરાના બાકી પેમેન્ટ મુદ્દે કારખાનેદારનું અપહરણ, બે ઝડપાયા

સુરત: 19 લાખના હીરાના બાકી પેમેન્ટ મુદ્દે કારખાનેદારનું અપહરણ, બે ઝડપાયા

સુરત પોલીસે બે આરોપીની ધરપકડ કરી.

Surat diamond merchant kidnapping: હીરાના વેપારીઓએ 19 લાખ રૂપિયા માટે ઉઘરાણી સાથે દબાણ કરતા દિશીલે ગત તારીખ 23 ઓક્ટોબર, 2021ના રોજ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

સુરત: શહેરના ડભોલી વિસ્તાર (Dabholi Area)માં રહેતા અને એમ્બ્રોઇડરીનું કામ કરતાં વેપારીના દીકરાએ વેચાણ માટે લીધેલા 19 લાખના હીરાનું બાકી પેમેન્ટ (Payment) નહીં ચૂકવી હીરાના વેપારીઓ સાથે લાંબા સમયથી છેતરપિંડી આચરી હતી. હીરાના વેપારીઓએ ઉઘરાણી શરૂ કરતા યુવકે ઝેરી દવા પી લીધી હતી ત્યારબાદ પૈસાની ઉઘરાણી માટે હીરા વેપારીઓએ યુવકના પિતાનું અપહરણ કર્યું હતું. આ મામલે યુવકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

હીરાના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં એક વ્યક્તિના અપહરણ (Kidnapping)નો મામલો સામે આવ્યો છે. મૂળ ભાવનગરના વલ્લભીપુરના મેલાણા ગામના વતની અને સુરતમાં ડભોલી ગામ કેન્સર હોસ્પિટલની પાછળ સાંઈ દર્શન સોસાયટી ઘર નં. 2માં રહેતા 48 વર્ષીય વિજયભાઈ રામજીભાઈ કીકાણી (Vijaybhai Kikani) કતારગામ જીઆઈડીસી ખાતે માધવ આર્ટના નામે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. દિવાળી અગાઉ હીરાનો વેપાર કરતા તેમના 23 વર્ષીય પુત્ર દિશીલે (Dishil Kikani) દલાલ રણછોડભાઈ મારફતે રૂ.19 લાખના હીરા હીરાના વેપારી પ્રદીપભાઇ મિયાણી પાસેથી લઈ એક વેપારીને આપ્યા હતા. પરંતુ તે વેપારીએ પૈસા નહીં ચૂકવતા દિશીલ હીરના વેપારી પ્રદીપભાઈને પેમેન્ટ કરી શક્યો ન હતો.

દિશીલે ઝેરી દવા ગટગટાવી


ત્યાર બાદ હીરાના વેપારીઓએ 19 લાખ રૂપિયા માટે ઉઘરાણી સાથે દબાણ કરતા દિશીલે ગત તારીખ 23 ઓક્ટોબર, 2021ના રોજ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે ચોકબજાર પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. જોકે, આ ઘટના બાદ વેપારીઓ ઉઘરાણી કરવાની બંધ કરી દીધી હતી. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી હીરા વેપારીઓએ યુવક પાસે હીરાના માટે ઉઘરાણી શરૂ કરી હતી.

આ પણ વાંચો: હવામાન વિભાગે ખેડૂતો માટે આપ્યા સારા સમાચાર

મળવા બોલાવી અપહરણ કર્યું


ગતરોજ રણછોડભાઈ મારફતે ફોન કરાવી વિજયભાઈને તેમના ઘર નજીક હંસ એવન્યુના ખૂણા પાસે મળવા બોલાવી ત્રણ બાઈક પર આવેલા પ્રદીપભાઈ અને તેમની સાથેના અન્ય ત્રણ વ્યક્તિ માર મારી અપહરણ કરી વરાછા યોગીચોક ખાતે લઈ ગયા હતા. અહીં તેમને એક રૂમમાં ગોંધી રાખી બાકી રકમના બદલામાં મકાન લખી આપવા દબાણ કર્યું હતું. જોકે, વિજયભાઈ તાબે થયા નહોતા. દરમિયાન, વિજયભાઈના પત્નીએ તેમના અપહરણની જાણ પોલીસને કરતા પ્રદીપભાઈ અને અન્યો તેમને પુણા ગામ રચના સર્કલ પાસે છોડીને ભાગી ગયા હતા.

આ પણ વાંચો: હાર્દિક પટેલ બીજી જૂને બીજેપીમાં જોડાશે

તમામ લોકોએ પુત્રના હીરાના રૂપિયા પિતા પાસે વસૂલવા માટે પિતાનું અપહરણ કર્યું હતું. જોકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પ્રદીપ અને તેના એક સાગરિતની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, સુરત

આગામી સમાચાર