Home /News /surat /Surat News: વીમા પોલિસીના નામે છેતરપિંડી, 8 પરપ્રાંતિયોએ લાખો પડાવ્યા; સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
Surat News: વીમા પોલિસીના નામે છેતરપિંડી, 8 પરપ્રાંતિયોએ લાખો પડાવ્યા; સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી.
Surat News: સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે વીમા પોલિસીને નામે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગના કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેમની પાસેથી 4 લાખથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે.
સુરતઃ શહેરમાં વીમા પોલિસીને લઈને અલગ અલગ ચાર્જ વસૂલી લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી છે અને 4 લાખથી વધુની રકમ ફ્રિજ કરી છે.
આરોપીઓએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી
મળતી માહિતી પ્રમાણે, સુરત પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે, ઓક્ટોબર 2020થી અલગ અલગ મોબાઇલ ફોન પર આરોપીઓએ પોતે લોકપાલ કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ રિલાયન્સ નિપોન કંપનીની પોલિસી પર આર્થિક લાભ અપાવવાનું કહીને ડિસેમ્બર 2020થી 15 ડિસેમ્બર 2021 સુધીમાં તે વ્યક્તિના અલગ અલગ એકાઉન્ટમાંથી 28 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ આરોપીએ કોઈપણ આર્થિક લાભ આપ્યો નહોતો અને વિશ્વાસઘાત કર્યો હતો.
આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરતાં જ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસના સર્વેલન્સને આધારે 11 ઓક્ટોબર 2022ના દિવસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમનું નામ સંતોષ કુમાર અને શ્યામવિર પાલ હતું. ત્યારે આ મામલે બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેમની સાથે અન્ય 6 આરોપીઓ પણ સંડોવાયેલા છે. ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી હતી. તેમના નામ મનોજકુમાર, સલાઉદ્દીન સિદ્દિકી, રામપ્રસાદ, અજય કુમાર, મોહમ્મદ રિઝવાન અને ખુશ્બુ મિશ્રા છે. આ તમામ આરોપીઓને ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસે તમામ આરોપીઓના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 4 લાખથી વધુ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.