સુરત : કોરોનાને લઈ લોકોમાં ડર હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત પતિની ચિંતામાં મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સોસાયટી નજીક મંદિર પાસેની જગ્યામાં ફાંસો ખાઈને મોત વહાલું કરી લીધું હતુ. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.
શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જોકે અનલોક ખુલ્યા બાદ લોકોમાં જાગૃતતા આવી તો છે પરંતુ કેટલાક લોકોમાં કોરોનાને લઈ ડર પણ દેખાઈ રહ્યો છે. ત્યારે પતિને કોરોના પોઝીટીવ આવતા ચિંતામાંમાં પત્નીએ આત્મહત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે. બીજી વાત એ પણ છે કે, મહિલા પણ કોરોના પોઝિટિવ હતી.
આ ઘટના અડાજણના પાલ વિસ્તારમાં ઘટી છે. મહિલાએ સોસાયટી નજીક મંદિર પાસેની જગ્યામાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર, પાલ પાસે મોઢ વણિક વાડીની બાજુમાં ઓમ રેસિડેન્સીમાં અશોકભાઇ દેસાઇ પત્ની માયાબેન સાથે રહે છે. તેમનો દીકરો ભરૂચમાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પતિ-પત્ની નિવૃત્ત જીવન જીવે છે. અશોકભાઈને કોરોના પોઝિટિવ આવતા તેમને બાપ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માયાબેનને પણ કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા હતા અને તેઓને ઘરે જ કૉરોન્ટીન રહેવાની જ સલાહ આપીને દવા આપવામાં આવી હતી.
પતિ હૉસ્પિટલમાં દાખલ હતા તેથી માયાબેન ઘરમાં સતત ચિંતા કર્યા કરતા હતા. સાતેક દિવસ કૉરોન્ટીન રહ્યાં બાદ શનિવારની રાત્રિ દરમિયાન ઘરની બાજુમાં મંદિર પાસેના પતરાના શેડના એંગલ સાથે ઓઢણીથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નજીકનાં લોકોએ મહિલાને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ત્યારે તેમના દીકરાને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે.