Surat Municipal Corporation: સુરતમાં વધતા જતા શ્વાનોની સંખ્યા અને લોકોને કરડવાના કિસ્સા બન્નેમાં ઘટાડો કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે. 5 વર્ષમાં લાખોનો ખર્ચો છતાં શહેરમાં શ્વાનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આટલા ખર્ચ સામે સ્થિતિ જેમની તેમ રહેલા સવાલો ઉઠી રહ્યા છે.
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં બાળકી પર શ્વાને કરેલા હુમલા બાદ આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બનેલો છે. રખડતા શ્વાન ફરી કોઈને નિશાન ના બનાવે તે માટેની રજૂઆતો થયા પછી હવે સુરત મહાનાગરપાલિકાએ ફરી એકવાર રખડતા શ્વાનોને પકડીને ખસીકરણની કામગીરી હાથ ધરી છે. શહેરમાં રખડતા કૂતરાઓના ખસીકરણ માટે પાછલા પાંચ વર્ષમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરા લોકો માટે ચિંતાનું કારણ બની રહ્યા છે. આમ થવાથી મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે સુરત, રાજ્ય અને કેન્દ્રની ટ્રિપલ એન્જિન સરકાર લોકોની મદદ માટે કામ કરી રહી છે.
સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા રખડતા કૂતરાના ખસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ એનિમલ વેલફેર ટ્રસ્ટની કેટલીક પાબંદીઓ અને જીવદયા પ્રેમીઓની વોચના કારણે સુરત મનપાનું તંત્ર બંધાયેલા હાથે કામ કરી રહ્યું હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને ટાળવા માટે માર્કેટ વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 37 હજાર કૂતરાઓનું ખસીકરણ કર્યુ છે, આમ છતાં કૂતરાઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા ખસીકરણની કામગીરી પાછળ 5 વર્ષમાં 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સુરતના મેયર હેમાલી બોઘાવાલા જણાવે છે કે, "સુરત મહાનગરપાલિકા પ્રજાના હિત અને લાભાર્થ માટે કામ કરે છે, માટે તેના માટે ખર્ચ માટે કોઈ મોટી વિશેષતા હોતી નથી. સુરત, ગુજરાત અને કેન્દ્રની ટ્રિપલ એન્જિન સરકાર લોકો માટે કામ કરે છે. આમ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા રખડતા શ્વાનના મુદ્દે પણ જરુરી પગલા ભરશે."
પ્રજનન અને પોતાના વર્ચસ્વની લડાઈ સહિતના સમયગાળા દરમિયાન શ્વાસ રસ્તા પરથી પસાર થતા લોકો પર હુમલા કરી દેતા હોય છે. આવામાં તેમની સંખ્યામાં ઘટાડો થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં લોકો પર કૂતરા દ્વારા કરાતા હુમલાના કિસ્સાને કાબૂમાં કેમ નથી લાવી શકાતા તેવો લોકો દ્વારા સવાલ કરવામાં આવે છે.
સામાન્ય દિવસોમાં સિવિલમાં ડોગ બાઈટના નવા-જૂના મળી 50થી 60 કેસ આવે છે. જે સંખ્યા શિયાળા દરમિયાન 100ની આસપાસ પહોંચી જતી હોય છે. ડોગ બાઈટના ગંભીર પ્રકારના કેસમાં સિવિલ જેવી સરકારી હોસ્પિટલમાં 5થી 6 હજારની કિંમતના ઇમ્યુનોગ્લોબ્યુલીન નામના 6 ઇન્જેક્શન વિનામૂલ્ય આપવામાં આવે છે. કૂતરાના કરડ્યા પછી દર્દીને સમયસર સારવાર ના મળે તો તે હાયડ્રો અને ફોટો ફોબિયાનો પણ શિકાર બની શકે છે.
સુરત મનપા દ્વારા 1 કૂતરાનાં ખસીકરણ પાછળ રૂપિયા 1350નો ખર્ચ કરવામાં આવે છે. 5 વર્ષમાં 37 હજાર કૂતરાના ખસીકરણ પાછળ અંદાજે 45 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, લાખો રૂપિયાનો ધૂમાડો કરવા છતાં ડોગ બાઇટના કેસને નિયંત્રણ કરવામાં સુરત મનપા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે એવો સીધો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રસના નેતા અસલમ સાયકલાવાએ મહાનગરપાલિકાની કામગીરી સામે આંકળી ઉઠાવી છે.
સુરત મનપાના માર્કેટ વિભાગનો દાવો છે કે તેમના દ્વારા દરરોજના 30થી 40 કૂતરા પકડીને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં 10 હજારથી વધુ શ્વાનનું ખસીકરણ કરાયું છે. આગામી વર્ષમાં વધુ 10 હજાર શ્વાનના ખસીકરણનો લક્ષ્યાંક બનાવવામાં આવ્યો છે, કામગીરીના દાવા પ્રમાણે 37 હજાર કુતરાઓનું ખસીકરણ થયું છે તેમ છતાં વધતા ત્રાસના કારણે આ ખસીકરણની કામગીરી કેટલી સફળ રહી છે તેની સામે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત જે રીતે રખડતા કુતરા હિંસક બની રહ્યાં છે અને લોકો ડોગ બાઈટ નો ભોગ બની રહ્યાં છે તેની સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે.