કોરોના વાયરસને લઇને એક બાજુ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા નિકળતા લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે તંત્ર દ્વારા લોકોને અવાર નવાર કહેવામાં આવે છે, ત્યારે સુરતના ડેપ્યુટી મેયર આજે પોતે સાથે અનેક લોકો સાથે જૈન આચાર્યના દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે પોતે સોશિયલ ડિસ્ટન્ટસ રાખવામાં આવ્યુ ન હતું, ઉપરાંત હાલમાં 144ની કલમ હોવા છતાંય તેનો ભંગ કરતો વિડીયો વાઇરલ થતા અનેક સવાલ ઊભા થવા પામ્યા છે.
કોરાના વાયરસને લઈને હાલમાં દેશ ભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે દેશ સાથે સુરતમાં પણ તંત્ર દ્વારા 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે અને લોકો પોતાના જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા નીકળે તો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું તંત્ર દ્વારા લોકોને જાણકારી આપવામાં આવે છે અને તેનું પાલન નહીં કરનારને સુરત મહાનગર પાલિકા દ્વારા દંડ પણ કરવામાં આવે છે.
ત્યારે આ કાયદો સુરતના ડેપ્યુટી મેયર નિરવ શાહને લાગુ ન પડતો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આજે નિરવ શાહ જૈન આચાર્યના કાર્યક્રમમાં દર્શન માટે સમૂહમાં એકઠા થયેલા દેખાય છે. શહેરના ડેપ્યુટી મેયર લોકડાઉન હોવા છતા જૈન આચાર્યના દર્શને ગયા, અહીં મોટી સંખ્યામાં લોકો સાથે દર્શન કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો મૂકીને સાથે 144નો ભંગ કર્યો છે.
હવે પ્રશ્ન એ છે કે, શું કાયદો સાધારણ માણસો માટે છે? તંત્ર આ વિષયમાં ચૂપ કે છે? જેવા સવાલો કરવામાં આવ્યા છે. જોકે, વીડિયો વાઈરલ થયા બાદ ડેપ્યુટી મેયરે પોતાનો લૂલો બચાવ કર્યો હતો. જૈન આચાર્યના દર્શન માટે ગયા હોવાનો ડેપ્યુટી મેયરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. જેને લઈને ડેપ્યુટી મેયર નિરવ શાહે સાથે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, જૈન આચાર્યના દર્શન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યા હતા.
અડાજણ ગુરૂ રામપાવનભૂમિ ખાતે કોરોનાના આંતક વચ્ચે ભુખ્યા રહેતા પશુ અને પક્ષીઓને ખોરાક પુરો પાડવા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ-સુરત દ્રારા સંપ્રતિ જીવમૈત્રી સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. જેમાં જૈન આચાર્ય પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ ડેપ્યુટી મેયર નિરવ શાહ સાથે સમૂહમાં જૈન આચાર્યના દર્શન કર્યા હતા. ત્યારબાદ સંપ્રતિ જીવમૈત્રી સેવાયજ્ઞ શરૂ કર્યો હતો.
હવે આ વીડિયો વાઇરલ થયા બાદ નિરવ શાહને પાલિકા દંડ ફટકારશે કે કેમ ? તેમ જ તેઓ નેતા હોવા છતાં આ રીતે સમૂહમાં એકઠાં થતાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ અંગે શું સમજાવી શકે તે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.