સુરત: શહેર પોલીસ દ્વારા સતત નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ઘણા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા સચિનમાં થયેલા કેમિકલ કાંડના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પણ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
આજથી એક વર્ષ પહેલા સુરતના સચિન વિસ્તારમાં પ્રેમ મિલ પાસે ખુલ્લામાં ટેન્કરમાંથી કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું. કેમિકલ છોડવામાં આવતો હતો તે સમયે ગુંગણામણ થવાને કારણે નવ લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. આ 23 લોકોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ગુના સંદર્ભે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે વિવિધ કલમોની સાથે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનની કલમનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3,000થી વધુ પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી હતી. પરંતુ સમગ્ર કેસનો મુખ્ય સૂત્રધાર એવો આરોપી નાસ્તો ફરતો હતો જેને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી. આ આરોપી ચોક્કસ સમયે આ જગ્યા ઉપર આવવાનો છે જેને લઇને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક બની અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા હાથ લાગી છેલ્લા એક વર્ષથી કેમિકલ કાંડનો નાસ્તો ફરતો આરોપી બબલુ પાલ જે મુંબઈનો રહેવાસી છે એ ક્રાઈમ બ્રાન્ચના હાથે ચઢ્યો છે. બબલુ પાલ ઘણા સમયથી કંપનીઓમાંથી ગેરકાયદેસર કેમિકલ કાઢીને સગેવગે વગેરે કરવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બબલુ પાલ કેમિકલ કંપનીઓમાંથી ગેરકાયદેસર કેમિકલ ટેન્કર દ્વારા બહાર લાવતો હતો અને ત્યારબાદ કોઈપણ જગ્યાએ કેમિકલ ઠાલવીને તેનો નિકાલ કરતો હતો.
ગેરકાયદેસર કેમિકલને સગેવગે કરતા આવા લોકો ઉપર ખરેખર તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લગામ લગાવવાની જરૂર હોય છે પરંતુ ક્યાંક ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોતાની કામગીરી ન કરી શકતા પોલીસે કાર્યવાહી કરવી પડે છે.