સુરત સાથે ગ્રામ્ય વિસ્તારમાં બૂટલેગરો બેફામ બની રહ્યા છે. જેલમાં ગયા બાદ જેલમાંથી છૂટ્યા બાદ આવા ગુનેગારો પોતાના વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. "ભલ ભલાના અમે પો'ણી માપ્યાં, રોણા રંગીલા અમે ગુજરાતના માફિયા' ગીત પર વાહનોનાં કાફલા સાથે ગામમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે-તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે. જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોય અથવા તો જાહેરમાં કેક કાપતાં અનેક વીડિયો વાયરલ થયા છે.
કાયદાકીય છટકબારી હોવાને કારણે આવા તત્વો વારંવાર કાયદાના ઉલ્લંઘન કરતા હોય છે. સ્થાનિક લોકોમાં પોતાનો ડર બની રહે તે માટે પણ આ બૂટલેગરો બેફામ રીતે ધાક ધમકી આપતા હોય છે. જોકે છેલ્લા એક મહિના જન્મ દિવસની ઊજાણીને લઈને બૂટલેગર વિવાદમાં આવી ચુક્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં સલાબતપુરા વિસ્તારમાં જે-તે વિસ્તારના કોર્પોરેટર પર હુમલો કરવાના ગુનામાં જેલવાસ ભોગવી આવેલા આરોપી પોતાના વિસ્તારમાં આવતાની સાથે જ કદવા ગેંગના મુખ્યાનું ફટાકડા ફોડી તેના સાગરીતોએ સ્વાગત કર્યું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઘટના હજુ વાશી થઈ નથી ત્યાં તો સુરત જિલ્લામાં વધુ એક ગુનેગાર જેલમાંથી છૂટીને આવતા વરઘોડો કાઢવાની ઘટના સામે આવી છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેર ગામના ઉપસરપંચને રિવોલ્વર બતાવીને ધમકાવ્યો હતો. જેને પગલે ઈશ્વર વાસફોડિયાને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આજે તે જેલમાંથી જામીન પર છૂટ્ટો થઈ પોતાના ગામ અંત્રોલીના ભૂરી ફળિયામાં વાહનોના કાફલા સાથે પ્રવેશ્યો હતો.
જેગુઆર ગાડીમાં ફિલ્મી ઢબે તે પોતાના ગામમાં પ્રવેશ્યો હતો. ફિલ્મી ગીતોની સાથે જાણે પોતે ખૂબ મોટું પરાક્રમ કર્યું હોય તે રીતે પોતાના ગામમાં ગાડીઓના કાફલા સાથે પ્રવેશ્યો હતો. જોકે આ માથાભારે પોતાના વિસ્તારમાં પોતાની છાપ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
જે પ્રકારે ફિલ્મી ગીતો ઉપર ગાડીઓના કાફલા સાથે પ્રવેશ કર્યો હતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ની સાથે જ લોકોમાં એક ડર અને ભયનો માહોલ ઉભો થયો હતો. કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો થતા પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં તે તો હવે જોવું જ રહ્યું