સુરતઃ બિલીમોરામાં વર્ષ 2010થી લઈને 2014 સુધીમાં એક લાઈફ ટાઈમ ગ્રુપ બનાવીને 1200 જેટલા લોકો સાથે 15 કરોડની છેતરપિંડીના કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ કેસમાં સુરત સીઆઈડી ક્રાઇમે 4 લોકોની ધરપકડ કરી છે. આ ચાર ડિરેક્ટરોને CID ક્રાઇમ દ્વારા નવસારી તેમજ વલસાડ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય લોકોએ ઇન્સ્યોરેન્સ કંપનીની જેમ જ પોતાની કંપનીમાં કમિશન એજન્ટની નિમણૂક કરીને લોકો સાથે છેતરપિંડી કરી હતી.
બિલીમોરામાં વર્ષ 2010થી 2014 દરમિયાન લાઈવ ટાઈમ ગ્રુપ બનાવી 1200 રોકાણકારો સાથે 15 કરોડની છેતરપિંડી મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા કંપનીના ડિરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ મામલે વર્ષ 2021માં ફરિયાદ દાખલ થઈ હતી. 2021માં બિલીમોરામાં રહેતા તેજસકુમાર પટેલ દ્વારા સીઆઈડી ક્રાઈમમાં નરેશ પટેલ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ, સંદીપ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જૂન 2021માં તેજસકુમાર દાખલ કરેલી ફરિયાદ સીઆઇડી ક્રાઇમને આપવામાં આવી હતી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આરોપીઓએ સાથે મળી લાઈફ ટાઈમ ગ્રુપ બનાવ્યું હતું અને બિલીમોરામાં ધ્રુવી મોલમાં એક ઓફિસ ભાડેથી રાખી હતી. છ ડિરેક્ટરો દ્વારા આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ 2013માં એક ડિરેક્ટરને ભાગમાંથી છૂટો કરી દીધો હતો અને પાંચ ડિરેક્ટરોએ 16 એજન્ટ નિમિને લાઈફ ટાઈમ ગ્રુપ બનાવી તેમાં અલગ અલગ લોભામણી સ્કીમ મૂકી એજન્ટ મારફતે 1200 કરતાં વધારે લોકોને પોતાની કંપનીમાં 15 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.
રકમ પાકી હોવા છતાં આપી નહીં
આ એજન્ટો દ્વારા પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ, મંથલી પ્લાન જેવી અલગ અલગ સ્કીમ દ્વારા 1200 લોકોને કંપનીમાં જે રોકાણ કરાવ્યું હતું તે રોકાણની રકમ પાકતી મુદ્દતે રોકાણકારોએ ઠાગાઠૈયા ચાલુ કર્યા હતા અને કંપનીના ડિરેક્ટરોએ રકમ આપી નહોતી. આ મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા લાઈફ ટાઈમ ગ્રુપના ડિરેક્ટર નરેશ પટેલ, પ્રકાશ પટેલ અને પ્રજ્ઞેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યા છે અને આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.