સુરત: સુરત શહેર SOG પોલીસ દ્વારા એક બાંગ્લાદેશી મહિલાને સુરતના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવી છે. આ મહિલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી સુરત પહોંચી હતી અને તેને બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો. આ મહિલા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે.
મહિલા પાસેથી મળી આવ્યા ડોક્યુમેન્ટ
સુરત SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસની માહિતી મળી હતી કે, બાંગ્લાદેશથી એક મહિલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને ટ્રેન મારફતે સુરત આવી રહી છે. તેથી SOG પોલીસે વોચ ગોઠવીને રેલવે સ્ટેશન પાસેથી આ મહિલાની ધરપકડ કરી હતી. મહિલાનું નામ ચંપાખાતુન શેખ હોવાનું સામે આવ્યું છે. મહિલાની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેની પાસેથી રેલવેની ટિકિટ, બાંગ્લાદેશના પાસપોર્ટની કલર ઝેરોક્ષ, બાંગ્લાદેશનું નેશનલ ID કાર્ડ તેમજ ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.
મહિલાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે બાંગ્લાદેશની વતની છે અને બાંગ્લાદેશની બોર્ડર પર દલાલને પૈસા આપીને ભારતમાં ઘૂસણખોરી કરી હતી. આ મહિલા પૈસા કમાવવા માટે ભારત આવી હતી અને સુરતમાં કામરેજમાં દેહ વ્યાપારનો ધંધો કરતી હતી. મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે, 7 મહિના પહેલા જ્યારે આ મહિલા બાંગ્લાદેશ ગઈ હતી ત્યારે બાંગ્લાદેશમાં પણ તેને પોતાનો પાસપોર્ટ બનાવ્યો હતો. મહિલાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2023ના રોજ તેને દલાલ મારફતે ભારત દેશમાં ઘૂસણખોરી કરી હતી અને તે ટ્રેનમાં સુરત આવતી હતી. સમગ્ર મામલે મહિલા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ઘટનામાં મહિલા સાથે અન્ય કોઈ આરોપી સંડોવયેલા છે કે કેમ, એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે.