સુરતઃ છેલ્લા ઘણાં દિવસોથી વિવાદિત નિવેદનોથી બાગેશ્વર બાબા ચર્ચામાં છે અને આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. હાલ તેઓ સુરતમાં રોકાયા છે. ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને સંબોધન કર્યું હતુ.
‘ભારત હિન્દુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે’
તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત ભક્તિનો પ્રદેશ છે. પ્રથમવાર આટલા દિવસ માટે ગુજરાતમાં આવ્યો છું. કુછ દિન ગુજરાત મેં ગુજારેંગે. આદિવાસી લોકો વચ્ચે પણ સભા કરીશ. ભારત હિન્દુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે.’
બાગેશ્વર બાબાના ગુજરાત આગમન પહેલેથી જ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ત્યારે આ મામલે પણ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે, ‘હનુમાનજી લંકા ગયા ત્યારે તેમનો પણ વિરોધ થયો હતો. હું કોઈ પાર્ટીનો નથી. હું બજરંગ બલીની પાર્ટીનો છું. સરકારને એવું લાગ્યું કે, સનાતન વિરોધી તાકાત ષડયંત્ર કરે છે, એટલે સિક્યોરિટી મળી છે. મારું મકસદ સનાતન જ છે.’
દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા
બાબાએ સુરતના ગોપીન ફાર્મમાં રાત્રિ રોકાણ કર્યું હતું. સાથે જ દિવ્ય દરબારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના અધિકારીઓ પણ દેખરેખ રાખશે.