સુરત: બારડોલીમાં પંચર કરાવવા માટે ઉભેલી કારમાંથી 60 હજાર રોકડ ભરેલી બેગની ઉઠાંતરી થયાની ઘટના બની છે. ગઠિયો કારચાલકની નજર ચૂકવી રોકડ ભરેલી બેગ લઈ ફરાર થઇ ગયો હતો. કે.ટી.એમ કંપનીમાં કામ કરતો કર્મચારી રોકડ લઈ બેંકમાં ભરવા માટે જતો હતો, તે દરમિયાન ઘટના બની હતી. કારચાલકે શહેરના મુખ્ય માર્ગ પર બેંક ઓફ ઈન્ડિયા નજીક પંચર પડતા કાર ઉભી રાખી હતી. જે દરમિયાન ગઠિયો હાથ સફાયો કરી ફરાર થઇ ગયો હતો. ગઠિયો બેગ લઈને ફરાર થતો CCTVમાં કેદ થયો હતો.
વાહન ચોરો ઝડપાયા
બીજી બાજુ, સુરત શહેરમાં વાહનચોરીના ગુનાઓ સતત વધી રહ્યા છે. ગુનાઓની ફરિયાદો સામે આવતી હોય છે. ગુનેગારો શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવ્યો છે, ત્યારે આવા રીઢા ગુનેગારોને પકડી પાડવા પૂર્ણ પોલીસને સફળતા મળી છે. પુણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે કેનાલ રોડ પર આવેલા રેશમા રો હાઉસ પાસેના બ્રિજ નીચેથી બે શખ્સોને પકડી પાડ્યા હતા. જેની પૂછતાછ કરતા આરોપીઓએ અનેક જગ્યાઓ પર વાહનચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની વિગત સામે આવી છે. ઝડપાયેલા બંન્ને આરોપી પાસેથી બાઈક, મોબાઈલ, લેપટોપ સહિત રુપિયા 7 લાખ 35 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી અલકેશ ઉર્ફે બુડ મોહનભાઇ ભુરિયા અને સુકરામ ઉર્ફે ગોલું રામચંદ નિનામાં અનેક ગુનામાં સંડોવાયેલ છે અને વિવિધ પોલીસ મથક વિસ્તારમાં વાહનચોરીને અંજામ આપેલો છે. આરોપી પાસેથી 12 બાઇક સાથે ત્રણ મોબાઈલ, બે લેપટોપ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા સુરત, વડોદરા સહિતના શહેરોમાં ગુનાઓ આચર્યા છે. જેમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે. સાથે જ સુરત શહેરમાં સરથાણા પોલીસ મથકમાં પાંચ ગુના, કામરેજમાં બે ગુના, પુણા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના, ગોડાદરામાં એક અને કાપોદ્રા બે ગુના નોંધાઇ ચૂક્યા છે, ત્યારે આ પકડાયેલ બંને આરોપી રીઢા ગુનેગાર છે. આ બંને આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીની બાઇક, મોબાઈલ, લેપટોપ અને અન્ય સામગ્રી મળીને 7 લાખ 35 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.