સુરતઃ શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા ભંડારીવાડમાં એક ઘરમાં હાથી ઘૂસી ગયો હોવાનો કોલ મળતા જ સુરત ફાયર વિભાગની દોડતી થઈ ગઈ હતી. જો કે, બાદમાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમને એપ્રિલ ફૂલ બનાવવા કોઈ ટીખળખોર દ્વારા આ કોલ કરી દોડાવવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
આજે પહેલી એપ્રિલ છે અને મિત્ર વર્તુળમાં લોકો એકબીજાને એપ્રિલ ફૂલ બનાવવા કોઈક ને કોઈક રમૂજ કરતા હોય છે. પરંતુ ક્યાંક આ રમૂજ કોઈકને દોડતી પણ કરી દે છે. આવું જ કંઈક સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ ભંડારીવાડમાં બન્યું છે. જ્યાં કોઈ ટીખળખોર દ્વારા ફાયર વિભાગને ફેક કોલ કરી દોડાવવામાં આવી હતી. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. કોલ કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ મોહમ્મદ અનસ તરીકે ફાયર કંટ્રોલ રૂમને આપી હતી. ત્યારબાદ મોહમ્મદ અનસ દ્વારા ફાયર કંટ્રોલરૂમને જાણકારી આપવામાં આવી હતી કે, ‘નાનપુરા ભંડારીવાડ વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં એક હાથી ઘૂસી ગયો છે.’ જેથી ફાયર વિભાગને તાત્કાલિક મોકલવા માટે જણાવાયું હતું.
કોલ મળતાં જ સ્ટેશનની ત્રણ ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરંતુ તપાસ કરતા ફાયર વિભાગને અહીં કંઈ મળ્યું નહોતું. મોબાઈલ નંબરના આધારે ફાયર વિભાગના અધિકારી રાજેશ દેશમુખ દ્વારા મકાન માલિકને શોધી કાઢ્યો હતો. મકાન માલિક મોહમ્મદ અનસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક હાથી તેમના ઘરમાં ઘૂસી ગયો હતો, પરંતુ બાદમાં તેનો માલિક આવીને પરત લઈ ગયો હતો. જેથી ફાયર અધિકારી અને ટીમ દ્વારા ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં ઘરમાં કંઈ નુકશાન થયું હોય અથવા ઘરનો સરસામાન વેરવિખેર પડ્યો હોય તેવું ક્યાંય પણ દેખાઈ આવ્યું નહોતું.
તેથી મકાન માલિક દ્વારા ટીખળખોરી કરવા ફાયર વિભાગને આ કોલ કર્યો હોવાની શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં પણ આવી કોઈ હકીકત મળી આવી નહોતી. તેથી માત્ર યુવક દ્વારા ફાયર વિભાગને એપ્રિલ ફૂલ બનાવવા આ ટીખળખોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે મકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તો નવાઈ નહીં.