સુરત: શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 31 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને સારવાર દરમિયાન એક વૃદ્ધનું મોત થયું છે. આ વૃદ્ધને ફ્રેક્ચર થયા બાદ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જે દરમિયાન તેઓ પોઝિટિવ આવ્યા હતા. 10 દિવસની સારવારમાં વૃદ્ધનું મોત થયું છે. સુરતમાં ટેસ્ટીંગની સંખ્યા પણ વધારવામાં આવી છે. પ્રતિદિન 1000થી 1100 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
સુરતમાં કોરોનાની સ્થિતિ
સુરત શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યાની વાત કરવામાં આવે તો શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 194 છે અને માર્ચ મહિનામાં 342 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાયા છે અને નાનપુરાના એક વૃદ્ધ કે જે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. મહત્વની વાત છે કે, આ વૃદ્ધને પગમાં ફ્રેક્ચર થયા બાદ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 10 દિવસની સારવાર બાદ આ વૃદ્ધનું મોત નિપજ્યું છે.
શહેરમાં કોરોનાના જે કેસ વધી રહ્યા છે. તેને લઈને આરોગ્ય વિભાગ પણ એક્ટિવ થયું છે. કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રતિદિન અલગ-અલગ હેલ્થ સેન્ટરો પર 1000થી 1100 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નાનપુરાના જે વૃદ્ધનું મોત થયું છે, તેમના પરિવારના સભ્યોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તેમની આજુબાજુમાં રહેતા લોકોને ત્યાં પણ મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.