સુરત: બુટલેગરો સામાન્ય લોકો માટે ખતરો બન્યા છે. દેશી દારુની હેરાફેરી કરતા બુટલેગરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં બુટલેગરે અકસ્માત સર્જ્યા બાદ દારુની રેલમછેલ જોવા મળી હતી. અકસ્માત બાદ રસ્તા પર દારુની રેલમછેલના દ્રશ્યો સર્જાયા હતા. બુલેટ અને મોપેડ વચ્ચે અકસ્માત બાદ બે લોકોને ઇજા પહોંચી હતી. જ્યારે મોપેડ પર બુટલેગર દારુની હેરાફેરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
બુટલેગરે અકસ્માત સર્જ્યા બાદ દારુની રેલમછેલ
દેશી દારૂની બેફામ હેરાફેરી કરતા બૂટલેગરો સામાન્ય વાહનચાલકો માટે જોખમી બન્યા છે. બેફામ મોપેડ હંકારી દેશી દારૂના પોટલા લઈ જઈ રહેલા બૂટલેગર અને બુલેટ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે રસ્તા પર દેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી. બુલેટ અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ બન્ને વ્યક્તિઓને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના સરથાણા પોલીસ મથકની હદમાં આવેલા પાસોદરા નજીક બની હતી. રસ્તા પર દારૂની રેલમછેલ છતાં સરથાણા પોલીસે આંખ આડા કાન કર્યા હોવાની ચર્ચા થઇ રહી છે. સ્થાનિક લોકોના આક્ષેપ પ્રમાણે મોપેડ સવાર પુરપાટ ઝડપે દેશી દારૂનો જથ્થો લઈ પસાર થઈ રહ્યો હતો. મોપેડ સવાર બૂટલેગર દ્વારા ગફલતભરી રીતે વાહન હંકારી અકસ્માત કરતાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં કરણ મહેતા અને સાગરભાઈ નામના બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી છતાં સરથાણા પોલીસે ઇજાગ્રસ્તોની ફરિયાદમાં ઉલ્લેખ સુદ્ધા ન કરતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.