Home /News /surat /સુરત: ઉત્તરાયણ પર મામાના ઘરે આવેલા યુવકનું દોરીથી ગળું કપાયું, મોત
સુરત: ઉત્તરાયણ પર મામાના ઘરે આવેલા યુવકનું દોરીથી ગળું કપાયું, મોત
ઉત્તરાયણ પર મામાના ઘરે આવેલા યુવકનું દોરીથી ગળું કપાયું
Surat News: સુરતના કામરેજમાં ઉત્તરાયણ બની લોહિયાળ. ગત સાંજના સમયે કામરેજના ચાર રસ્તા પાસે યુવકના ગળાના ભાગે દોરી ભરાતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું.
સુરત: પતંગની કાતિલ દોરીના લીધે વધુ અકસ્માત સર્જાયો છે. સુરતના કામરેજમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે. ગઇકાલે સાંજે કામરેજ વિસ્તારમાં એક યુવકનું પતંગની દોરીના લીધે અકસ્માત થયો હતો. યુવકના ગળામાં દોરી ભરાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. યુવકને ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
મામાના ઘરે આવેલા યુવકનું મોત
ગતકાલે સાંજના સમયે કામરેજ ચારરસ્તા પાસે યુવકના ગળામાં દોરી ભરાઇ ગઇ હતી. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતક યુવક જૂનાગઢ જિલ્લાનો રહેવાસી હતો, જ્યારે તે નનસાડ ગામે મામાને ત્યાં આવ્યો હતો. યુવક નનસાડ ગામથી કામરેજ ચારરસ્તા પાસે બાઈક પર ચક્કર મારવા નીકળ્યો હતો. મૃતક યુવકનું નામ રાઠોડ સંજય કરશન ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી, જ્યારે કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. કામરેજ તાલુકામાં 14 દિવસમાં કાતિલ દોરીના કારણે બે લોકોના મોત થયા છે.
રાજકોટ શહેરના કોઠારીયા શાક માર્કેટ પાસેથી પસાર થતા સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની ભાગોળે રહેતા લોથડા ગામમાં રહેતા ઋષભ અજય વર્મા નામનો માસુમ જ્યારે કોઠારીયા શાક માર્કેટ પાસેથી બપોરના સમયે પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાઈનીઝ દોરી તેના ગળાના ભાગે લાગવાથી તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. ત્યારે બાળકને વધુ સારવાર મળે તે પૂર્વે જ તેનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાના કારણે સર્જરી વિભાગમાં તેની સર્જરી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી હતી.
વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. શહેરનાં દશરથ બ્રિજ પર દોરીના કારણે 35 વર્ષનાં રિંકુભાઇનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે, મહેસાણામાં પણ દોરી ગળામાં વાગવાથી ચાર વર્ષની છોકરીનું મોત નીપજ્યું હતું.