સુરત: ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડના ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે સુરતના લક્ષ્મી ડાયમંડના 500 જેટલા કારીગરોએ અચાનક હડતાલ પાડી દેતાં ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પગાર વધારાની માગને લઈને હડતાળ પર ઉતર્યા
ડાયમંડ ઉદ્યોગ માટે સુરત શહેર જાણીતું છે. આ ઉદ્યોગ હાલ જે રીતે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, તેને લઈને ક્યાંક કારખાનાઓ બંધ થઈ રહ્યા છે તો ક્યાંક કારીગરો ઓછા કરવામાં આવી રહ્યા છે. આવામાં લક્ષ્મી ડાયમંડ ઉદ્યોગમાં દર વર્ષે કારીગરોને પગાર વધારો આપવામાં આવે છે. જોકે, આ વર્ષે પણ પગાર વધારાની વાત જાન્યુઆરી મહિનાથી કરવા છતાં પણ કારીગરોને છેલ્લા પાંચ મહિનાથી પગાર વધારો મળ્યો નથી. જેને લઈને કારીગરોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આજે અચાનક 500 જેટલા કારીગરો અચાનક હડતાલ પાડી દેતાં ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જોકે, દર વર્ષે કારીગરોનો પગાર વધારવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ સુધી પગાર વધારો ન મળતાં કારીગરો રોષે ભરાયા છે. છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગને લઇને કંપનીના માલિકો સાથે ચર્ચા ચાલતી હતી, પરંતુ આખરે માલિકોએ પગાર વધારો આપવાની ના પાડતાં કારીગરો મેદાને ઉતર્યા છે. 500 જેટલા કારીગરો હડતાલ પર ઉતરતા તેની અસર ઉદ્યોગ પર જોવા મળશે. કેમ કે, મંદીના કારણે કારીગરોનો સમય ઓછા કરવામાં આવી રહ્યો છે તો ક્યાંય કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કારીગરોની હડતાલ ઉદ્યોગ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.