સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં રહેતા ગૃહિણી પાયલ જોશી ધોરણ 10ની પરીક્ષામાં ઉતિર્ણ થયા છે. 11 વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેમણે ભણવાનું છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે ઘરસંસાર માંડ્યો હતો. ત્યારે સાસરીપક્ષના સાથ સહકાર અને પોતાની મહેનતથી આજે તેઓ ધોરણ 10માં 76% સાથે પાસ થયા છે. જેનાથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત : આજે ધોરણ-10નું ગુજરાત બોર્ડનું રીઝલ્ટ જાહેર થયું છે. જેની સાથે અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના મુખ પર હાસ્ય ફેલાયું છે. ત્યારે સુરત શહેરમાં આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ભૂતકાળમાં ભણવાનું છોડી દેનાર મહિલાઓ કે જેણે વર્ષો બાદ માતા બનીને પરીક્ષા આપી હતી તેમના સપનાને આજે પાંખ મળી છે. સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં રહેતા પાયલ જોશીએ આ પરીક્ષા પાસ કરી છે. તેઓએ 3 અને 5 વર્ષના બાળકોની સંભાળ રાખવાની સાથે પરીક્ષા પાસ કરતા પરિવારમાં ખુશીનો માહોલ છે.
એક માતા દુનિયાના દરેક શિખર સર કરી શકે છે
પાયલબેનની ઉંમર 26 વર્ષ છે અને 11 વર્ષ પહેલા તેમણે અગવડતાને કારણે ભણતર છોડી દેવુ પડ્યું હતું. બાદમાં તેમના લગ્ન થયા અને હાલ તેમને બે બાળકો પણ છે પરંતુ સાસરા પક્ષના પ્રોત્સાહન બાદ તેમણે ફરીથી ભણવાનો નિર્ણય કર્યો હતો અને આજે તેમણે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને સાબિત કરી બતાવ્યું છે કે બાળકો, પતિ અને સાસુ-સસરાનો જો સાથ હોય તો એક માતા દુનિયાના દરેક શિખર સર કરી શકે છે.
12 થી 15 વર્ષ પહેલા આર્થિક કારણોને લઈને ભણતર છોડ્યું હતું
ભણતરને કોઈ ઉંમર નડતી નથી અને તેનું ઉત્તમ દ્રષ્ટાંત શહેરમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપી રહેલી ધોરણ-10ની ઘણી વિદ્યાર્થિનીઓ બની છે . 12 થી 15 વર્ષ પહેલા આર્થિક કારણોને કારણે પોતાનું ભણતર છોડનાર આવી અનેક માતા ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોને નિ:શુલ્ક ભણાવી રહેલા સરકારી શાળાના પ્રિન્સિપાલ પાસે ઓનલાઇન ક્લાસ કરીને પાસ થઈ છે. ધોરણ-10ની પરીક્ષા આપીને પાસ થયા
શહેરની અલગ અલગ શાળાઓમાં એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી રહેલી આ યુવા માતા અન્ય લોકો માટે આદર્શ બની છે. આવી મહિલાઓ બાળકોને ભણાવવાની સાથે સાથે આ વર્ષે પોતે ધોરણ-10ની પરીક્ષા આપીને પાસ થઈ છે.
વહેલી સવારે ઊઠીને વાંચન કરતા
આવી મહિલાઓએ લગ્ન પછી પોતાના સાસરી પક્ષના પ્રોત્સાહન બાદ ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. આજે આ આવી મહિલાઓની ઉંમર 26 થી 35 વર્ષ સુધીની છે અને તેઓ ઘરની જવાબદારીઓ ઉઠાવવાની સાથે માત્ર બાળકોને જ ભણાવી રહી નથી પરંતુ વહેલી સવારે ઊઠીને કે બાળકો શાળાએ જાય ત્યારે સમય કાઢીને પોતે પણ ભણીને ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને તેનું આગળ ભણવાનું સપનું પૂરું કર્યું છે. મારા પરિવારની આભારી છું
આ અંગે પાયલ પ્રદીપભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આર્થિક કારણોસર ભણી શકી ન હતી અને ધોરણ 9 બાદ અભ્યાસ છોડી દીધો હતો. જોકે મારા સાસરી અને પિયર બંને પક્ષના લોકોએ મને પ્રોત્સાહન આપ્યું અને જેથી મારે 3 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી હોવા છતાં પણ મેં ફરીથી ભણવાનો નિશ્ચય કર્યો હતો. તેમનું કામ કરવાની સાથે સાથે હું દરરોજ 4 થી 5 કલાક વાંચતી હતી. અભ્યાસ છોડીને 11 વર્ષ થઈ ગયા હોવાથી શરુઆતમાં થોડી તકલીફ પડી હતી, પરંતુ નરેશ સરને કારણે આજે હું પાસ થઈ ગઈ છું. મારા 76 ટકા આવ્યા છે. અમે બધા જ બહુ ખુશ છીએ. હું મારા પરિવારની આભારી છું.
રીપીટર 173 માંથી 134 વિધાર્થિનીઓ પાસ થઈ છે
આ અંગે નિ:શુલ્ક ક્લાક કરાવનાર સરકારી શાળાના પ્રિન્સિપાલ નરેશ મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ઓનલાઇન ભણતરનું જે ચલણ આવ્યું હતું તે હાલ દૂર બેઠેલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને માટે ફાયદો કરાવી રહ્યું છે. આ યુવા મહિલાઓ ઘરના અને બાળકોના મલ્ટિપલ ટાસ્ક કરવાની સાથે સાથે સારુ પ્રદર્શન કર્યુ છે તેનો મને ગર્વ છે. આટલા વર્ષો બાદ 76 ટકા લાવવા ખૂબ જ મહેનતનું કામ છે અને પાયલબેને તે બખૂબી નિભાવ્યું છે. આ વર્ષે ધોરણ-10ની એક્સટર્નલ અને રીપીટર 173 માંથી 134 વિધાર્થિનીઓ પાસ થઈ છે.