કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં વરસાદની આગાહી વચ્ચે સોમવારે સવારથી જ શહેરના વાતાવરણના પલટો જોવા મળ્યો છે. બીજી તરફ સાઉથ-વેસ્ટ મોનસૂન મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધ્યું છે. વાતાવરણમાં પલટો આવતા શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સોમવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં સાઉથ વેસ્ટ મોન્સૂનની અસર મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની સાથે સાથે સાઉથ ગુજરાતમાં અસર પણ જોવા મળશે.
કઠલાલમાં ત્રણ ઇંચ વરસાદ
તા. 24મી જુનના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 જિલ્લાના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ વરસાદ ખેડા જિલ્લાના કઠલાલમાં નોંધાયો છે. અત્યાર સુધી પડેલા કુલ વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યના 251 તાલુકામાંથી પાંચ તાલુકામાં હજુ સુધી કોઈ વરસાદ નોંધાયો નથી. જ્યારે 50 તાલુકાઓમાં 0થી 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 76 તાલુકાઓમાં બે થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 18 તાલુકા એવા છે જેમાં પાંચથી 10 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બે તાલુકામાં 10થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે.
ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોઈ જ વરસાદ નોંધાયો નથી. ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 10 મીમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ગાંઘીનગર જિલ્લામાં 21મીમી પડ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદ નોંધાયો નથી. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1 એમએમ વરસાદ પડ્યો છે.
પૂર્વ-મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7 એમએમ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કઠલાલમાં ત્રણ ઇંચ નોંધાયો છે. અમદાવાદમાં 1 ઇંચ, દેત્રોજમાં એક ઇંચ, કપડવંજમાં બે ઇંચ, સંખેડામાં 22 MM, બાલાસિનોરમાં એક ઇંચ, વડોદરામાં 21 MM, ડેસરમાં 35 MM વરસાદ નોંધાયો છે.