Home /News /surat /સુરતના સિંગ પરિવારે અનોખું દાન કરી ઉત્તરાયણના દાનની મહત્તાને સાર્થક કરી
સુરતના સિંગ પરિવારે અનોખું દાન કરી ઉત્તરાયણના દાનની મહત્તાને સાર્થક કરી
ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણ પર્વમાં દાનનો અનેરો મહિમા
Donation Worthwhile In Uttarayan: ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ઉત્તરાયણ પર્વમાં દાનનો મહિમા પરાપૂર્વથી વર્ણવાયો છે. વેદો પુરાણોમાં અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, ઔષધદાન, શાસ્ત્રદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારોનું વર્ણન છે. ત્યારે સુરતે અંગદાનને વ્યાપક બનાવ્યું છે અને દેશમાં અંગદાન ક્ષેત્રે બહોળી નામના મેળવી છે. દાનની આ કડીમાં વધુ એક મણકો ઉમેરતા સુરતમાં અનોખું દાન કરી સિંગ પરિવારે ઉત્તરાયણના દાનની મહત્તાને સાર્થક કરી છે.
સુરત: ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ઉત્તરાયણ પર્વમાં દાનનો મહિમા પરાપૂર્વથી વર્ણવાયો છે. વેદો પુરાણોમાં અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, ઔષધદાન, શાસ્ત્રદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારોનું વર્ણન છે. ત્યારે સુરતે અંગદાનને વ્યાપક બનાવ્યું છે અને દેશમાં અંગદાન ક્ષેત્રે બહોળી નામના મેળવી છે. દાનની આ કડીમાં વધુ એક મણકો ઉમેરતા સુરતમાં અનોખું દાન કરી સિંગ પરિવારે ઉત્તરાયણના દાનની મહત્તાને સાર્થક કરી છે. સિંગ પરિવારે નાણાં, અનાજ કે ચીજવસ્તુઓનું દાન નથી કર્યું પણ તેમણે પોતાના બ્રેનડેડ સ્વજનના અંગોનું દાન કરી ઉત્તરાયણ પર્વમાં 'દાન આવું પણ હોઈ શકે છે' એવી અનોખી મિસાલ કાયમ કરી છે.
ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલે તેમને બ્રેનડેડ જાહેર કર્યા
સુરત શહેરના બમરોલી વિસ્તારની હિરાનગર સોસાયટીમાં રહેતા 62 વર્ષીય મંજુબહેન પ્રમોદસિંગ ઉત્તરાયણ પર્વ આવતું હોવાથી તારીખ 12મી જાન્યુઆરીના રોજ તેમના બહેનને ત્યાં તલના લાડુ બનાવવા ગયા હતા. જયાં તેમને અચાનક ચક્કર આવી જતા બેભાન હાલતમાં નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા. વધુ સારવાર માટે મંજુબહેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહીં પ્રેશર વધવાને કારણે બ્રેન હેમરેજ થયાનું નિદાન થયુ હતું. બે દિવસની સઘન સારવાર બાદ આજે મોડી રાત્રે ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલે તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા.
સિવિલની ટીમે તેમના પરિવારજનોને ઓર્ગન ડોનેશન વિશે જાણકારી આપી અન્યોના જીવન બચાવી શકાય છે, તેમ સમજાવતા તેઓ અંગદાન કરવા સહમતિ દર્શાવતા આજે વહેલી સવારે અમદાવાદની સોટોની ટીમ બે કિડની અને લિવરનું દાન સ્વીકારી રવાના થઈ હતી. આમ, સિંગ પરિવારે ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયક, ડો.ઓમકાર ચૌધરી, ડો. નિલેશ કાછડિયા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફની હાજરીમાં અંગોનુ દાન કરાયુ હતું.
આમ, સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જેમા સિવિલ હોસ્પિટલના ડોકટરો સંનિષ્ઠ પ્રયાસોના પરિણામે આજે 13મું અંગદાન થયુ છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં અનેક લોકો દ્વારા અંગદાન કરવામાં આવ્યા છે. આ પહેલા પણ સુરત શહેરમાં અનેક લોકોને અંગદાન કરવા માટે પ્રોત્સાહન આપતા અનેક પરિવાર પોતાના સ્વજનનું અંગદાન કરવા માટે તૈયાર થયા છે.