દીકરાના મૃત્યુ બાદ દીકરી એ પણ પૈસા અને સોનું લઈને માતાને તરછોડી દેતા માતાની હાલત દયનીય બની હતી. પરંતુ એ જ માતાના ઘરમાં ભુતકાળમાં ત્રણ વર્ષ ભાડુઆત રહી ચૂકેલા મુસ્લિમ યુવા મોસીને આ બાને સાચવીને માનવતા ઉજાગર કરી છે. હાલ આ બા શેલ્ટર હોમમાં રહી રહ્યા છે.
સુરત: નવ મહિના સુધી કોખમાં રાખી પ્રસુતાની પીડા વેઠી જે માતા બાળકને જન્મ આપે છે, તે બાળક જ્યારે માતાને ઘડપણમાં જ્યારે સંતાનોની ખરી જરૂર હોય છે, ત્યારે એક માતાને સાચવી શકતા નથી. સુરતના 85 વર્ષના બા નર્મદાબેન સાથે આવું જ થયું છે. તેમના દીકરાના મૃત્યુ બાદ દીકરી એ પણ પૈસા અને સોનું લઈને માતાને તરછોડી દેતા માતાની હાલત દયનીય બની હતી. પરંતુ એ જ માતાના ઘરમાં ભુતકાળમાં ત્રણ વર્ષ ભાડુઆત રહી ચૂકેલા મુસ્લિમ યુવા મોસીને આ બાને સાચવીને માનવતા ઉજાગર કરી છે. હાલ આ બા શેલ્ટર હોમમાં રહી રહ્યા છે.
પુત્રીએ લાલચ સંતોષી સાથે રાખવાની ના પાડી દીધી
માતા-પિતા દીકરા દીકરીને લાડકોડથી મોટા કરે છે, ત્યારે તેમને બાળકો માત્ર ઘડપણની લાકડી બને એવી આશા રાખે છે. પરંતુ આધુનિક સમાજના બદલાતા લોહીના સંબંધો અને પારિવારિક મૂલ્યોમાં ઉણપ આવી હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે આવી જ કંઈક ઘટના સુરતના 85 વર્ષીય દાદી નર્મદાબેન સાથે બની છે. એક વર્ષ પહેલા બીમારીમાં તેમના પુત્રનું મૃત્યુ થઈ ગયું હતું અને વહુ તેમને રાખતા ન હતા. જેથી તેઓ તેમની પુત્રીના ઘરે રહેવા ગયા હતા. જો કે પુત્રીએ ઘરેણા અને પૈસાની લાલચ સંતોષી માતાને રસ્તે રઝળતી હાલતમાં રહેવા મજબૂર કરી દીધી હતી હોવાની વાત નર્મદા બાએ રડતા રડતા જણાવી હતી.
ભાડૂઆત મોસીન દેવદૂત બન્યો
તેમની મુસીબત આટલાથી જ અટકી ન હતી, ઉલ્ટા જે ઘરમાં રહેતા હતા. તે ઘર ડિમોલિશનમાં જતું રહ્યું હોવાને કારણે ભાડૂઆત પણ ખાલી કરીને જતા રહ્યા હતા અને તેને સીલ મારી દેવામાં આવ્યું હતું. જો કે તે સમયે નર્મદા બા પરિસ્થિતિથી ભાંગી પડે એ પહેલા લાચાર બનેલા બાનો સહારો તેમને ત્યાં ત્રણ વર્ષ ભાડૂઆત તરીકે રહી ચૂકેલો મોસીન બન્યો છે. એટલું જ નહીં બા બે દિવસ મોસીનના પરિવાર સાથે પણ રોકાયા હતા.
મોસીન ભાઈનું ઘર છોડ્યું ત્યારે દરેક સભ્ય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં
જોકે બાદમાં બા એ તેમને વૃદ્ધાશ્રમ કે અન્ય કોઈ જગ્યાએ મોકલવાનું કહેતા તેમણે શેલ્ટર હોમના સંચાલકનો સંપર્ક કર્યો હતો અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેમને શેલ્ટર હોમ લાવવામાં આવ્યા હતા. પરંતુ જે સમયે બા મોસીનભાઈનું ઘર છોડી રહ્યા હતા, તે સમયે બા અને પરિવારના દરેક સભ્ય ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. આ કરુણ દ્રશ્યો જોઈને ત્યાં હાજર દરેકની આંખોમાં આંસુ છલકાઇ ગયા હતા. પોતાની સગી દીકરીને બદલે એક ભાડૂઆતે પોતાની માની જેમ આપેલા આદર ભાવને લઈને આજે પણ રડી પડે છે.
ડિમોલિશનમાં ઘર પણ જતું રહ્યું
આ અંગે નર્મદા બાએ જણાવ્યું હતું કે, મારી ઉંમર 85 વર્ષ હશે. મારા દીકરાનું મૃત્યુ થયું અને ડિમોલિશનમાં ઘર પણ જતું રહ્યું તેથી હું મારી દીકરીને ત્યાં રહેવા ગઈ હતી, પરંતુ તેને પણ વૃદ્ધ માતા ગમી નહીં. જો કે 2 દિવસ મારું ધ્યાન મારા દીકરા જેવાં મોશીને રાખ્યું અને હવે હું અહીં શેલ્ટર હોમમાં આવી છું. અહીં મારું ખૂબ ધ્યાન રખાય છે.
શેલ્ટર હોમના સંચાલક તરુણભાઈએ જણાવ્યું હતું કે, અમને મોસીન ભાઈનો ફોન આવ્યો હતો અને અમે તાત્કાલિક પહોંચીને બાને અલથાણ શેલ્ટર હોમ લઈ આવ્યા હતા . બા એ અહીં આવ્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ કેટલાય સમય બાદ હસ્યા છે જે અમારા માટે રિવોર્ડ જેવી બાબત છે. કોઈક ના મુખ પર હાસ્ય લાવી શકીએ એ હેતુથી જ અમે કામ કરી રહ્યા છીએ.