Home /News /surat /સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દ્વારા સાતમું અંગદાન, ઠાકુર પરિવારે આપી મંજુરી
સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દ્વારા સાતમું અંગદાન, ઠાકુર પરિવારે આપી મંજુરી
સિવિલ હોસ્પિટલ દ્વારા દ્વારા સાતમું અંગદાન
Surat New Civil Hospital: સુરતના ઠાકુર પરિવારે બ્રેઈનડેડ સ્વજનના લીવર અને બન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આ સાથે સાતમું અંગદાન થયું છે.
સુરત: સુરતના ઠાકુર પરિવારે બ્રેઈનડેડ સ્વજનના લીવર અને બન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આ સાથે સાતમું અંગદાન થયું છે. મૂળ બિહારના મહમદપૂર તાલુકાના દોસ્તીયા ગામનો ઠાકુર પરિવાર હાલ સુરત જિલ્લાના પલસાણા, બરેલી ખાતે રહે છે. આ પરિવારના ૪૪ વર્ષીય સભ્ય નવોદ રૂપનારાયણ ઠાકુર નિત્યક્રમ પ્રમાણે તારીખ 07મીના રોજ રાત્રે 09:00 વાગ્યે અમર જ્યોતિ કંપની-કડોદરાથી નોકરી પૂર્ણ કરી ઘરે પરત આવી રહ્યા હતા. ઘરે પરત આવતા રસ્તો ક્રોસ કરતાં સમયે અજાણ્યા વાહને જીવલેણ ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
તબીબી ટીમ દ્વારા બ્રેઇનડેડ જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, અકસ્માત દરમિયાન નાક અને મોંથી લોહી નીકળ્યું હતું, જેમને બેશુદ્ધ અવસ્થામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરતની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તારીખ 09મીએ આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવ્યા, જ્યાં ફરજ પરના મેડિસીન વિભાગના સહપ્રાધ્યાપક ડો.અશ્વિન વસાવાએ ઈજાગ્રસ્ત નવોદનું 2D ઇકો કર્યું હતું. તેમના સ્વસ્થ થવાની સંભાવના ન હોવાથી સિવિલના ન્યૂરોફિઝીશિયન ડૉ.પરેશ ઝાંઝમેરા સહિત તબીબી ટીમ દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાવમાં આવ્યા હતા.
ડૉ. નિલેશ કાછડીયાએ ઠાકુર પરિવારને અને તેમના પત્ની નિભાદેવી, પુત્ર રોનક અને આશુતોષ, પુત્રી પ્રીતિને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન અને SOTTO ની ઓર્ગન ડોનેશન ટીમના સભ્યોને આ પરિવારે અંગદાનની મંજૂરી આપી જણાવ્યું કે, અમારા સ્વજનનું શરીર બળીને રાખમાં મળી જવાનું છે, ત્યારે તેમના અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવું જોઈએ.
અહીં લીવર અને બન્ને કિડની ફાળવવામાં આવ્યા
આ સાથે જ પરિવારજનોની સહમતિ મેળવ્યા બાદ અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને લીવર અને બન્ને કિડની ફાળવવામાં આવ્યા હતા. અંગદાન કરનાર દર્દીના મૃતદેહને તેના મૂળ વતન બિહારના શિવહર જિલ્લામાં મોકલવા માટે મૃતદેહના સન્માન સહ સરકારી ખર્ચે ખાનગી એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી હતી. ઠાકુર પરિવાર દ્વારા અંગદાનની મંજુરી આપતા ડૉક્ટરો દ્વારા તેમના જરૂરી અંગોને બીજા જરૂરીયાત વાળા લોકો સુધી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.