Home /News /surat /રેશનકાર્ડ દુકાનદારની દાદાગીરી, અનાજ ચાઉં કરીને ધમકી આપે છે કે, ‘તમારાથી થાય તે કરી લો’
રેશનકાર્ડ દુકાનદારની દાદાગીરી, અનાજ ચાઉં કરીને ધમકી આપે છે કે, ‘તમારાથી થાય તે કરી લો’
ફાઇલ તસવીર
Surat News: સુરતના રાંદેર મોરાભાગળ વિસ્તારમાં આવા જ એક દુકાનદારની સામે ફરિયાદ ઉઠી છે. છેલ્લા ચારથી છ મહિનાથી અસંખ્ય રેશનકાર્ડધારકોને અનાજ મળ્યું નથી તેની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
સુરતઃ કેન્દ્ર સરકારે ભલે ગરીબોને મફત અનાજ આપવાની યોજના જાહેર કરી હોય પરંતુ સરકારી અનાજના દુકાનદારો મફતનું અનાજ ગરીબો સુધી પહોંચવા દેતા નથી. સુરતના રાંદેર મોરાભાગળ વિસ્તારમાં આવા જ એક દુકાનદારની સામે ફરિયાદ ઉઠી છે. છેલ્લા ચારથી છ મહિનાથી અસંખ્ય રેશનકાર્ડધારકોને અનાજ મળ્યું નથી તેની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
આખરે કંટાળીને લોકોએ હોબાળો મચાવ્યો
મળતી માહિતી પ્રમાણે, રાંદેરના મોરાભાગળ વિસ્તારમાં શારદા મોરલામાં આવેલી સરકારી અનાજની દુકાનનો દુકાનદાર નરેશ ઘટીક છેલ્લા કેટલાય સમયથી દુકાન ખોલતો નથી અથવા તો દુકાન ખોલે છે તો રેશનકાર્ડ ધારકોને અનાજ આપતો નથી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરરોજ અનેક લોકો દુકાને ધક્કા ખાઈ રહ્યા છે. ઘણી વખત અનાજ આપે છે તો ચાર ચાર કલાક સુધી લોકો લાઈનમાં ઊભા રહેતા હોવા છતાં સરકારી અનાજ તેમને મળતું નથી. આજે કેટલાક રેશનકાર્ડ ધારકોએ આ મામલે હોબાળો મચાવ્યો હતો.
દુકાનદાર સામે લોકોના આક્ષેપ
રેશનકાર્ડ ધારકોનું કહેવું છે કે, નરેશ ઘટીક નામનો આ સરકારી અનાજનો દુકાનદાર ભાગ્યે જ દુકાન ખોલે છે અને જ્યારે અનાજ આપે ત્યારે બે-ચાર કલાક સુધી લાઈનમાં ઊભા રાખ્યાં પછી નંબર લાગે છે અથવા તો થોડા ઘણા લોકોને અનાજ આપીને દુકાન બંધ કરી દે છે. અનેક વખત ફોન કરવામાં આવે તો પણ ફોન ઉંચકતો નથી.
આ સરકારી અનાજના દુકાનદાર નરેશ ઘટીકે બીજું એવું પણ કૌભાંડ કર્યું છે કે, કેટલાક લોકોને માત્ર ઘઉં આપે છે તો કેટલાક લોકોને માત્ર ચોખા આપે છે. તો બીજી બાજુ અસંખ્ય એવા લોકો છે કે જેમના રેશનકાર્ડ તે પોતાની પાસે જમા રાખે છે. જ્યારે કેટલાક રેશનકાર્ડ ધારકોનો અંગૂઠો લેવાનો હોય છે ત્યારે જ કોમ્પ્યુટર બંધ થઈ જાય છે અને અનાજ આપવામાં આવતું નથી. આ ફરિયાદ કેટલાય સમયથી ઉઠી રહી છે, પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી કે ઝોન પુરવઠા અધિકારી પણ આ મુદ્દે ધ્યાન આપતા નથી. ત્યારે કોઈ રેશનકાર્ડ ધારક દુકાનદાર સાથે બોલાચાલી કે માથાકૂટ કરે તો સીધી ધમકી આપે છે કે, તમારાથી થાય તે કરી લો. આમ, દુકાનદાર સામે વ્યાપક ફરિયાદો પછી પગલાં ક્યારે ભરવામાં આવશે તે જોવું રહ્યું.