રાજકોટ : શનિવારના રોજ અમદાવાદની સાબરમતી નદીમાં આયશા નામની પરિણીતાએ ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવી લીધાનું બનાવ સામે આવ્યો છે. તો બીજી તરફ રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસે અને દિવસે આપઘાત તેમજ આપઘાતના પ્રયાસ ના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગરમાં રહેતા ધર્મેશભાઈ અરવિંદભાઈ લીંબડ નામના 29 વર્ષિય યુવકે પોતાના હાથમાં બ્લેડ વડે છરકા મારી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ધર્મેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. સમગ્ર મામલાની જાણ એ ડિવિઝન પોલીસને થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રિકોણ બાગ પાસે દરજી કામ કરતો ધર્મેશ ને કામ બાબતે અવારનવાર તેના પિતા તેને ઠપકો આપતા હતા. જેના કારણે તેને માઠું લાગી આવતા આ પ્રકારનું પગલું ભર્યાનું પરિવારે જણાવ્યું છે. જોકે આપઘાતનો પ્રયાસ કરવા પાછળનું કારણ કંઈક બીજું જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આગળ પોલીસ તપાસમાં આપઘાતના પ્રયાસનું કોઈ અન્ય કારણ બહાર આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
તો બીજી તરફ રાજકોટ શહેરમાં હંસરાજ નગર રોડ ઉપર આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા ચંદ્રકાંતભાઈ વ્રજલાલ નંદાણી નામના 66 વર્ષીય વૃદ્ધે આર્થિક ભીંસથી કંટાળીને પોતાના ઘરે ઝેરી દવા પી લીધા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધને ઝેરી અસર થતાં તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ પ્રદ્યુમન નગર પોલીસ ને થતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ થોડા દિવસો પૂર્વે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સાસુ-વહુના ત્રાસના કારણે યુવાને ઝેરી દવા ગટગટાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ગોંડલના ચોરડી ગામે રહેતા કિરીટ ભાઈ કાળુભાઈ સરવૈયા નામના 38 વર્ષીય કોળી યુવાને બપોરના ત્રણેક વાગ્યા આસપાસ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને ઝેરી દવા પી લીધા હોવાનું જાણ થતાં તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં ગોંડલ પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસ પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર કિરીટભાઈ એ જણાવ્યું હતું કે, તે પોતે વેલ્ડીંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં તેને એક દીકરો અને એક દીકરી છે. પત્ની સોનલબેન તેમજ સાસુ શારદાબેન ભીમજીભાઇ ચૌહાણ ઘણા સમયથી તેને ત્રાસ આપી રહ્યા હતા. તો સાથે જ ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી પણ આપતા હતા. ત્યારે સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળી જઇ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.