Home /News /surat /Surat News: ઉઘનામાં રાજસ્થાની યુવકે પૈસાની લેતીદેતી મામલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, સ્યૂસાઇડ નોટ મળી
Surat News: ઉઘનામાં રાજસ્થાની યુવકે પૈસાની લેતીદેતી મામલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, સ્યૂસાઇડ નોટ મળી
ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર
Surat News: સુરતના ઉધના વિસ્તારમાં રહેતા રાજસ્થાની યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ત્યારે ત્રણ પાનાંની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં પૈસાની લેતીદેતી મામલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
સુરતઃ શહેર ઉધના વિસ્તારમાં રહેતા રાજસ્થાની યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતાં પહેલા યુવકે લખેલી સુસાઇડ નોટ અને મિત્રને કરેલો વીડિયો કોલ તપાસમાં સામે આવ્યો છે. જેમાં મૃતક અને તેના બનેવી વચ્ચે રૂપિયાની લેતીદેતી મામલે માથાકૂટ થઈ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ગામના જ અન્ય ત્રણ શખ્સો દ્વારા ઉછીના રૂપિયા આપવા મામલે દબાણ કરતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
22 ડિસેમ્બરે ફાંસો ખાઈને આપઘાત કર્યો
મૂળ રાજસ્થાનનો વતની અને સુરતના ઉધના સ્થિત આશાનગરમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા દિનારામ જાટે ગત 22મી ડિસેમ્બરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઉધના પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે રાજસ્થાન રહેતા પરિવારને બાદમાં આ અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ પરિવાર સુરત આવી પહોંચ્યા હતા અને તેમને લાશ સોંપવામાં આવી હતી.
ત્રણ પાનાંની સ્યૂસાઇડ નોટ મળી આવી
આપઘાત કરતા પહેલાં દીનારામ જાટે એક ત્રણ પાનાની સ્યૂસાઇડ નોટ લખી મિત્રને વીડિયો કોલ કર્યો હતો. આ સુસાઇડ નોટ અને વીડિયો કોલમાં પોતાનો જ બનેવી રૂપિયા માટે દબાણ કરતો હોવાની હકીકત જણાવી હતી. બંનેએ વાપીમાં ફર્નિચરનું કામ લીધું હતું. જેમાં ધંધાકીય લેતીદેતી મુદ્દે બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ અને મૃતક દીનારામ જાટ વચ્ચે માથાકૂટ થઈ હતી. તેને કારણે બનેવી અમરારામ રૂપિયા માટે અવારનવાર દીનારામ પર દબાણ કરતો હતો.
દીનારામ પાસે બનેવી અમરારામ ઉર્ફે અમરચંદ જાટ દ્વારા રૂપિયા આઠ લાખની પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપવામાં આવી હતી. બીજી તરફ ગામના જ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ પાસેથી લીધેલા રૂપિયા 15 હજારની સામે દીનારામે 75 હજાર ચૂકવી દીધા હતા. ત્યારબાદ પણ તેની પાસે વધુ 1.50 લાખની માગણી કરવામાં આવતી હતી. આમ, બનેવી અમરારામ અને ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના જાટ, અંતારામ બારીક સહિત રામ રતન જાટ દ્વારા આપવામાં આવી રહેલા માનસિક ત્રાસથી કંટાળીને પોતે આ પગલું ભરી રહ્યો હોવાની હકીકત વીડિયોમાં જણાવી હતી.
પોલીસ વ્યાજખોરોના ત્રાસ મામલે કાર્યવાહી કરશે
ઉધના પોલીસે ગત રોજ બનેવી સહિત ચાર લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણા અને બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું છે કે, સમગ્ર કેસની હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને તપાસમાં લાગશે કે, નાણાં ધીરધાર અધિનિયમ હેઠળનો પણ ભંગ થયો છે તો તે મામલે પણ પોલીસ કલમોનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે, ઉધના પોલીસે આ મામલે આરોપીઓ સામે બળજબજરીપૂર્વક રૂપિયા પડાવવા અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પરંતુ મામલાની ગંભીરતા અને પરિવાર સહિત સંબંધી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને જોતા આરોપીઓ દ્વારા ચાર ગણા રૂપિયા મૃતક પાસે વસૂલ કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી આગામી દિવસોમાં ઉધના પોલીસ આ મામલે આરોપીઓ સામે વ્યાજખોરી અંગે કાર્યવાહી કરે તેવી શક્યતા છે.