Home /News /surat /Rahul Gandhi Surat: બદનક્ષી કેસમાં દોષિત ઠેરવાયા બાદ કોર્ટે આપેલા સમયમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?
Rahul Gandhi Surat: બદનક્ષી કેસમાં દોષિત ઠેરવાયા બાદ કોર્ટે આપેલા સમયમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં દોષિત, 2 વર્ષની સજા થઈ
Rahul Gandhi, Surat Defamation Case: રાહુલ ગાંધીએ સુરતના બદનક્ષીના કેસમાં દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. રાહુલ ગાંધીને કલમ 499 અને 500 હેઠળ કોર્ટ દ્વારા ગેનેગાર ઠેરવવામાં આવ્યા છે. તેમના વકીલે જણાવ્યું કે, તેમને પોતાની વાત રજૂ કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો.
સુરતઃ સુરતની કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને 2019ના મોદી અટક પર કરેલા ઘસાતા નિવેદન મામલે દોષિત ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે કોર્ટ દ્વારા તેમના જામીન પણ મંજૂર કરવામાં આવ્યા છે. પૂર્ણેશ મોદી કે જેમણે આ કેસ દાખલ કર્યો હતો તેમણે કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આ કેસમાં કોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આગળની જરુરી કાર્યવાહીની વાત કરી છે. રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા બાદ તેમને પોતાની વાત રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીને બે વર્ષની સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે પરંતુ તેને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ સાથે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ કોર્ટમાં દોષિત જાહેર થયા બાદ શું કહ્યું?
જ્યારે કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા બાદ પૂછ્યું કે તમારે શું કહેવું છે તો રાહુલ ગાંધીએ કહ્યું કે, હું હંમેશા ભષ્ટાચાર સામે અવાજ ઉઠાવું છું, હું એ વખતે જે બોલ્યો તે ઈરાદાપૂર્વકનું નહોતું. રાહુલ ગાંધીએ આ પછી આગળ કહ્યું કે આગળની વાત મારા વકીલ દ્વારા કરવામાં આવશે. આ અંગે વકીલ દ્વારા વધુમાં વાત કરવામાં આવી છે કે, તેમની સામે જે કેસ થયો છે, તેનાથી કોઈને જાનહાની નથી થઈ માટે ઓછામાં ઓછી સજા થવી જોઈએ.
હાઈકોર્ટના વકીલ અને કોંગ્રેસના નેતા બીએ માંગુકિયાએ જણાવ્યું કે, કોર્ટેમાં આજે વધુ સુનાવણીને અવકાશ નહોતો, રાહુલ ગાંધી કોર્ટ રૂમમાં પ્રવેશ્યા અને બે મિનિટમાં કોર્ટે સજા સંભળાવી દીધી હતી. આઈપીસીની કમલ 499 અને 500 હેઠળ આપને ગુનેગાર ઠેરવવામાં આવે છે. આ પછી જજ દ્વારા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે તમે સજા અંગે શું કહેવા માગો છો તે પણ પૂછવામાં આવ્યું હતું.
આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મેં રાજકીય નેતાના હેસિયતથી દેશમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની સામે અવાજ ઉઠાવવાનો મારી ફરજ છે. જેના સિવાય મેં કશું કર્યું નથી. આ સિવાય રાહુલ ગાંધી તરફથી જે વકીલ કોર્ટમાં રજૂ થયા હતા તેમણે જણાવ્યું કે, અમે કોર્ટની માફી માગી રહ્યા નથી, અમારે કોર્ટની દયા નથી જોઈતી.
પાટીલે કહ્યું- હવે તેમનામાં સુધારો થાય તો સારી વાત છે
આ મામલે ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સાંસદ સીઆર પાટીલે જણાવ્યું કે, તેમના પર 2019ના નિવેદન મામલે કેસ દાખલ થયો હતો તેમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. મને લાગે છે આ પછી જો તેમનામાં સુધાર આવે તો સારી વાત છે. દેશનું પણ તેઓ વારંવાર અપમાન કરી ચુક્યા છે. દેશના લોકો પણ આ વાતથી તેમના પર નારાજ છે. જેનું નુકસાન તેમણે ભોગવવું પડશે.
ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા વર્ષ 2019ના રાહુલ ગાંધીના મોદી અટક પર કરવામાં આવેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. જે મામલે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પુર્ણેશ મોદીએ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, બેંગ્લોરથી 100 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં 2019માં જાહેરસભા દરમિયાન નિવેદન કર્યું હતું. જેમાં તેઓએ જે ટિપ્પણી કરી હતી જેની ફરિયાદ સુરતની કોર્ટમાં કરવામાં આવી હતી. આજે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને હું આવકારું છું.