Surat Crime News: સુરતમાં ખુદ પોલીસ કર્મચારીનો દીકરો જ વ્યાજના ચક્રમાં ફસાયો. પોલીસ કર્મચારીના દીકરાએ 8 ટકાના વ્યાજે 2.50 લાખ રૂપિયા લીધા હતા. આરોપી દ્વારા 22 લાખ રૂપિયાની વ્યાજની વસુલાત કરવામાં આવી હતી. જેથી આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
સુરત: સુરત શહેરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ખુદ પોલીસનો પરિવાર વ્યાજખોરના ચક્રમાં ફસાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના દીકરાએ એક વ્યાજખોર પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા અને અઢી લાખના બદલામાં 22 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી છતાં વ્યાજખોર પોલીસ પુત્રને પરેશાન કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરી વ્યાજખોરની ધરપકડ
રાજ્યમાં વ્યાજખોર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે જરૂરિયાત મંદ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને આ વ્યાજખોરો પૈસા આપીને તગડું વ્યાજ વસૂલતા હોવાના અનેક કિસ્સાઓ રાજ્યમાં એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ખુદ પોલીસનો દીકરો વ્યાજખોરનો ભોગ બન્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે નરેશ ચૌહાણ ફરજ બજાવે છે અને નરેશ ચૌહાણના દિકરા કેનિલ ચૌહાણે ડિસેમ્બર 2020માં તેના પરિચિત જનક ચુડાસમા નામના વ્યાજે પૈસા આપનાર વ્યક્તિ પાસેથી 2.50 લાખ રૂપિયા લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે કેનિલ આ વ્યાજખોરના ચક્રમાં ફસાતો ગયો. કેનિલ અને તેના પિતાએ વ્યાજખોરને 2.50 લાખના બદલામાં 22 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી અને છતાં પણ વ્યાજખોર જનક ચુડાસમાની ડાયરીમાં 43 લાખ રૂપિયાનો હિસાબ બાકી હતો. વ્યાજખોર જનક ચુડાસમાનો ત્રાસ સતત વધતો હોવાના કારણે કેનીલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, વ્યાજખોર જનક ચુડાસમાએ પોતાની કાર કેનિલને કંપનીમાં ભાડે મૂકવા માટે આપી હતી પરંતુ કાર કંપનીમાં ભાડે ન ગઈ હોવા છતાં પણ આ વ્યાજખોર કેનિલ પાસેથી દર મહિને 30 હજાર રૂપિયાના કારના ભાડાની પણ વસુલાત કરતો હતો. તો પોલીસને આરોપી પાસેથી અન્ય કેટલાક લોકોના નામના બેન્કના કોરા ચેક પણ મળી આવ્યા છે. આગામી દિવસોમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે કે, તેને આ પ્રકારે કેટલા લોકોને રૂપિયા વ્યાજે આપ્યા છે. જો કે, પોલીસ પૂછપરછમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહીં.