સુરત: સુરતમાં પતિ-પત્ની વચ્ચેની લડાઈનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પતિ દ્વારા પોતાની પત્નીને મુશ્કેલીમાં મૂકાવા માટે એક અલગ જ પ્રકારનો કીમિયો કરાયો હતો. ઘટનાની વાત કરીએ તો પતિ બર્થ ડે સેલિબ્રેશન માટે પત્નીને સાપુતારા લઈ ગયો હતો જે બાદ પત્નીને સાપુતારાની હોટેલમાં મૂકી પતિ ફરાર થઇ ગયો હતો.
પત્નીને સબક શીખવવા માંગતા પતિએ પોતાનો જન્મદિન સાપુતારાની હોટેલમાં મનાવવાના બહાને રાત્રે બે વાગ્યે સાપુતારા લઇ જઇ હોટેલ બુક કરાવ્યા બાદ પત્નીને હોટેલમાં એકલી મૂકી પતિ સુરત આવી ગયો હતો. પત્ની બિલ નહિ ભરી શકે તે માટે તેનો મોબાઇલ ફોન અને બીજાં ડોક્યુમેન્ટસ પણ પતિ સાથે લઇને આવતો રહેતાં મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો.
મુંબઇ વુડલેન્ડ બિલ્ડીંગમાં રહેતી અને બ્યુટિશ્યનની નોકરી કરતી 24 વર્ષીય રીમા રિઝાઉલ શેખે નવેમ્બર-2022એ અડાજણ પાટિયા આશિયાના કોમ્પલેક્ષમાં રહેતાં મો. યાકુબ ઇશ્તાક દાદાભાઇ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. થોડોક સમય સાથે રહ્યા બાદ તું માતા-પિતાને ગમતી નહિ હોવાનું જણાવી સાથે રાખવાનો ઇન્કાર કરી ઝઘડો કરતો આ પતિ ચોથી ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિન હોવાનું અને તેને સાપુતારામાં સેલિબ્રેટ કરવાનું કહી રાત્રે બે વાગ્યે કાર લઇ હોટેલ સ્ટ્રોબેરીમાં પહોંચ્યા હતા.
અહીં એક દિવસ રોકાયા બાદ બીજાં દિવસે પત્નીને સૂતેલી મૂકી પતિ ભાગી છૂટ્યો હતો. પોતાની સાથે પત્નીના ડોક્યુમેન્ટસ તથા મોબાઇલ ફોન પણ લઇ ભાગ્યો હોઇ યુવતીએ માંડ તેના સંબંધીનો સંપર્ક કરી બિલ ચૂકવી સુરત પહોંચી હતી.
પારિવારીક તકરાર વધી જતાં યુવતી છેવટે રાંદેર પોલીસ મથકે પહોંચી હતી અને પતિ તથા સાસુ-સસરા વિરૂદ્ધ દહેજ પ્રતિબંધક ધારાની કલમ અંતર્ગત ગુનો નોંધાવતાં રાંદેર પોલીસે સસરા અને પતિની ધરપકડ કરી છે.