સુરતઃ સુરત શહેર તેના કાપડ, હીરા અને સાડી ઉદ્યોગને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે હવે સાડી માટે પ્રખ્યાત સુરતમાં સાડીના કારણે જ વિવાદ સર્જાયો છે. તમે કપડાં પર ભગવાનના શ્લોક છપાયેલા જોયા હશે. ભગવાનનું નામ પણ કપડાં પર છપાયેલું જોયું હશે. કેટલાક લોકોએ તો આ પ્રકારના કપડાં પહેર્યા પણ હશે. પરંતુ સુરતના માર્કેટમાં એક એવી સાડી આવી છે જેના પર ભગવાન બુદ્ધનું મુખ છપાયેલુ છે. આના કારણે વિવાદ સર્જાયો છે.
પોલીસ શરૂ કરી તપાસ
સુરત શહેર કાપડ માર્કેટ અને તેમાં પણ સાડી માટે જગ વિખ્યાત છે. ક્યાંક મોદી સાડી ક્યાંક કોંગ્રેસની સાડી કે બાહુબલીની સાડીઓ બજારમાં આવી છે. પરંતુ સુરતના કાપડ માર્કેટમાં ભગવાન બુદ્ધના ડિઝાઇનની સાડી આવતાની સાથે વિવાદ સર્જાયો છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બુદ્ધના ફોટોવાળી સાડી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ કરતા મોટા પ્રમાણમાં આવી ડિઝાઇન વાળી સાડીઓ મળી આવી હતી. પોલીસે ત્રણથી ચાર લોકોની અટકાય કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે બુદ્ધના પ્રિન્ટવાળી સાડીઓનો મોટો જથ્થો પકડી પાડ્યો છે
ભાજપ અને કોંગ્રેસની પણ સાડી!
ચૂંટણી સમયે સુરતના કેટલાક વેપારીઓએ કોંગ્રેસ અને ભાજપની સાડીઓ પણ બનાવી હતી. ફિલ્મ બાહુબલીની સાડી પણ ટ્રેન્ડમાં આવી હતી. પરંતુ ભગવાન બુદ્ધના મુખવાળી સાડી માર્કેટમાં આવતા બુદ્ધના સમર્થકોમાં નારાજગી વ્યાપી છે. કેટલાક લોકોએ આ અંગેની ફરિયાદ પણ આપી હતી. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને પોલીસે ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરી છે.