સુરતઃ શહેરના ઉતરાણ વિસ્તારની પોલીસે બાતમીને આધારે વાહન ચોરી કરતા રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીની પૂછપરછ કરતા 14 અન્ય બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને તમામ બાઇકો જપ્ત કરી લેવામાં આવી હતી. હાલ પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
બાતમીને આધારે પોલીસની કાર્યવાહી
સુરતમાં વાહન ચોરીની ઘટના સતત વધી રહી છે. ત્યારે પાર્ક કરેલા વાહનો અવારનવાર ચોરી થઈ જતા હોય છે. સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર, વાહન ચોરોને પકડી પાડવા માટે ઉતરાણ પોલીસને સૂચના આપવામાં આવી હતી. તે દરમિયાન ઉતરાણ પોલીસ મથકમાં પણ વાહન ચોરીની ફરિયાદ આવી હતી. તપાસ દરમિયાન ઉતરાણ પોલીસને બાતમી મળી હતી કે, વાહન ચોરનો રીઢો આરોપી ફરી રહ્યો છે. ત્યારે બાતમીને આધારે ઉતરાણ પોલીસે અરવિંદ મારડીયાને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ પોલીસે પોલીસે આરોપીને તાત્કાલિક પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા આરોપીએ અન્ય 14 મોટર સાયકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ પણ વરાછા પોલીસ મથકમાં ઝડપાઇ ચૂક્યો છે. હાલ ઉતરાણ પોલીસે અરવિંદ મારડીયાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કરેલા વાહનો કેવી રીતે ચોરી કરતો હતો તેની વિગતો આપી હતી. આ સાથે જ ભૂતકાળમાં ક્યાંથી વાહનો ચોરી કર્યા હતા તેની માહિતી આપી હતી.
હજુ વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા
હાલ પોલીસે આ ચોરીના વાહનોનું વેચાણ કર્યુ છે કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. જો કે, પકડાયેલા આરોપી પોતાના મોજશોખ માટે આ વાહનોની ચોરી કરતા હોવાની વિગતો પણ સામે આવી હતી. તેથી અન્ય રાજ્યોમાં પણ વાહનો વેચ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હજુ વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા છે.