સુરત: પોલીસ અધિકારી કે કર્મચારીના નામે જ્યોતિષોને કોલ કરી ખંડણી માંગતા ઠગને કાઇમ બ્રાંચે પકડી પાડયો હતા. ભેજાબાજ વિજય વાઘેલા સુરત, અમદાવાદ (Ahmedabad), વડોદરા (Baroda), ભોપાલ (Bhopal) અને રાજસ્થાનના 50થી વધુ જ્યોતિષો (Astrologers) પાસેથી પૈસા પડાવવા કૉલ કર્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે તેમાંથી 10 જ્યોતિષીઓએ નાણા પણ આપી દીધા હતા. આરોપી જ્યોતિષને ફોન કરીને કહેતો હતો કે, "તમારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તમે ખોટી વિદ્યા કરીને વિધિના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવો છો."
18 મેના રોજ રાંદેર રોડ વિસ્તારમાં આવેલી સિંધી સોસાયટીમાં રહેતા મનીષ મનાલી નામના વ્યક્તિને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યુ હતુ કે, "હું કતારગામ પોલીસ ચોકીથી રવિરાજસિંહ વાત કરું છું. તમારા વિરુદ્ધમાં એક ફરિયાદ આવી છે. તમે કતારગામ પોલીસ ચોકી પર આવો." ત્યારબાદ ફોન કરનાર ઇસમે મનીષને પોલીસ તરીકેની આપીને ફોન પર મારી નાખવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. આ બાબતે મનીષ મનાલીએ 27 મેના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રાંદેર પોલીસમાં ફરિયાદ
રાંદેર પોલીસ સ્ટેશન (Rander Police station)માં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ હતી. તમામ ટીમોએ અલગ-અલગ જ્યોતિષને ફોન કરીને તેમની પાસેથી પૈસા પડાવતા ઈસમની શોધખોળ શરૂ કરી હતી. બાતમીના આધારે પોલીસે કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી નજીકથી વિજય વાઘેલા નામના એક ઈસમની ધરપકડ કરી હતી. વિજય કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી રોડ પર આવેલા ચામુંડા નગરનો રહેવાસી છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિજયની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને હિંમતસિંહ પરમાર નામના સાગરિત સાથે મળીને છેલ્લા છ મહિનાથી સુરત, વલસાડ, બારડોલી અને અમદાવાદ જેવી અલગ અલગ જગ્યાઓ પર જ્યોતિષ વિદ્યાના જાણકાર વ્યક્તિઓના પેપર અને સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન નંબર મેળવીને તેમને ફોન કરી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી ધમકી આપી બળજબરીથી પૈસા પડાવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યુ હતું કે, આરોપી વિજય પહેલા GTPLની ઈન્ટરનેટ કંપનીમાં ટેક્નિશિયન તરીકે કતારગામ વિસ્તારમાં કામ કરતો હતો. તે અવારનવાર કતારગામ પોલીસ સ્ટેશનમાં જતો હતો. આથી તે પોલીસની કાર્યપદ્ધતિથી વાકેફ થયો હતો. તે વારંવાર પોલીસ સ્ટેશનમાં જતો હોવાના કારણે જે તે પોલીસ અધિકારી અને કર્મચારીઓનું વર્ચસ્વ અને ઓળખ સારી હોય તેમના નામ મેળવીને અલગ-અલગ જ્યોતિષને અધિકારી કે પોલીસ કર્મચારીના નામથી ફોન કરીને ધમકી આપતો હતો.
આરોપી જ્યોતિષને ફોન કરીને કહેતો હતો કે, "તમારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તમે ખોટી વિદ્યા કરીને વિધિના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવો છો." વિજય વાઘેલા આવું કહીને જ્યોતિષીઓને ડરાવી તેમની પાસેથી પૈસા પડાવતો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર