પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સુરતની કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટમાં હાજરી આપતા પહેલા હાર્દિક પટેલે મીડિયા સમક્ષ વાત કરીને પોલીસ ખાતા અને સરકાર ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નરની પ્રેસકોન્ફરન્સ અંગે પણ નિવેદન આપતા કહ્યું હતું કે, પોલીસ કમિશ્નરને પોતાના શબ્દો ઉપર કાબુ રાખવો જોઇએ. સાથે સાથે મહુવામાં થયેલા ખેડૂતોના ઘર્ષણ અંગે પણ જણાવ્યયું હતું.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ' આજે મારી કોર્ટમાં તારીખ છે એટલે હાજર થવા માટે આવ્યો છું. સાથે સાથે અલ્પેશ કથીરિયાની પોલીસ દ્વારા જામીન રદ કરવાની અરજીની સુનાવણી છે. એટલે અમે હાજર થવા માટે આવ્યા છીએ. પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાને હેરાન કરવામાં આવ્યો હતો. અને ગુસ્સામાં અલ્પેશ દ્વારા બોલવામાં આવતા તેના ઉપર કેસ કરવામાં આવ્યા હતા. સ્વાભાવીક છે કે, અત્યાચાર થશે તો કોઇપણ માણસ ચુપ નહીં રહે.'
આ ઉપરાંત સુરત ટ્રાફિક પોલીસ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા 110 કરોડ રૂપિયા ટ્રાફિકના નામે ખંખેરી લીધા છે. એટલે એક બાબતો એ છે કે, સુરત ટ્રાફિક પોલીસ સુરતના લોકોને ખોટી રીતે હેરાન પણ કરે છે. આ ઉપરાંત હાર્દિક પટેલે મુખ્યમંત્રીએ આપેલા નિવેદન પોલીસ ખાતું ભ્રષ્ટ હોવાના અંગે કહ્યું હતું કે, આનાથી વધારે કોઇ એવોર્ડ ન આપી શકાય. ખુદ મુખ્યમંત્રી જ સ્વીકારે છે કે, પોલીસ ખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. તો પોલીસે પોતાના પ્રામાણિકતાના પ્રમાણપત્રો આપવા માટે પ્રેસકોન્ફરન્સ કરવાની જરૂર ના પડે. આ પોલીસ ખાંતુ હું નથી માનતો કે ગુજરાતની જનતાની સેવા કરે.
2019ની ચૂંટણી અંગે પૂછતાં હાર્દિકે જણાવ્યું હતું કે, 2019 પહેલા લોકોનો અવાજ બનતા યુવાનોને લઇને પોલીસ કાર્યવાહી કરશે. સરકાર દ્વારા આવા અવાજને દવાબાની કોશિશ પણ કરવામાં આવશે. મારો પહેલાથી જ આ વાત અંગે શક છે. પોલીસ કમિશ્નરને પણ આડે હાથે લેતા હાર્દિકે કહ્યું હતું કે, પોલીસ કમિશ્નરે પોતાના શબ્દો ઉપર કાબુ રાખવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયાની રાજદ્રોહ કેસમાં જામીન અરજી રદ કરવામાં આવે એવી અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી આજે શુક્રવારે હતી. સાથે સાથે હાર્દિક પટેલના રાજદ્રોહના કેસની પણ આજે તારીખ હોવાથી હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા બંને પાટીદાર યુવકો કોર્ટમાં હાજર રહેવા માટે આવ્યા હતા.