Mehali Tailor, Surat: કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે, છેલ્લા કેટલાક સમયથી સુરતના લોકોમાં અંગદાનને લઇને ખુબ જ જાગૃતતા આવી છે, આ અંગદાનને કારણે અનેક લોકોને નવું જીવન મળ્યું છે. ખાસ કરીને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે કામ કરતી સંસ્થા ડોનેટ લાઇફે 14માં સફળ અંગદાનની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં મૂળ અમરેલીના અને હાલ સુરત રહેતા વિનોદભાઇના અંગોને કારણે સાત લોકોને નવું જીવન મળ્યું હતું.
અમરેલીના રહેવાસી અને હાલમાં બી-૧૦૬, આદર્શનગર ૧, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત ખાતે પોતાના પરિવારજનો સાથે રહેતા વિનોદભાઈએ માથામાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ૯ માર્ચના રોજ સવારે ૫:૩૦ કલાકે તેઓ બેભાન થઇ જતા પરિવારજનોએ તેમને વિનસ હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજની નસમાં લોહીનો ફુગ્ગો હોવાનું નિદાન થયું હતું.જ્યાં ડોકટરે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા
ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. પ્રેક્ષા ગોયલ અને ન્યુરોફીઝીશયન ડૉ. ગૌરાંગ ઘીવાળાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી વિનોદભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી
વિનોદભાઈના પત્ની ગીતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમને બચવાની કોઈ શક્યતા નથી ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઇ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને, લિવર સુરતની કિરણ હોસ્પીટલને, એક કિડની અમદાવાદની ઝાયડસ અને બીજી કિડની IKDRCને ફાળવવામાં આવી. આ દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા
હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. આ પુણ્યકર્મમાં હંમેશા સહકારરૂપ બનવા બદલ સુરત પોલીસનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૮૧ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૫૨ કિડની, ૧૯૩ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૪ હૃદય, ૨૮ ફેફસાં, ૪ હાથ અને ૩૫૨ ચક્ષુઓના દાનથી કુલ ૯૯૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.