Home /News /surat /સુરતની તમિલનાડુ બેન્ક સાથે 16 કરોડની છેતરપિંડી મામલે એક આરોપીની ધરપકડ, 26 ફરાર
સુરતની તમિલનાડુ બેન્ક સાથે 16 કરોડની છેતરપિંડી મામલે એક આરોપીની ધરપકડ, 26 ફરાર
આરોપીની તસવીર
આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલ દ્વારા તામિલનાડુ બેન્ક સાથે છેતરપિંડી મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ અન્ય 26 આરોપીઓ ફરાર છે.
સુરતઃ શહેરની તામિલનાડુ બેન્ક જોડે રૂપિયા 16.38 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં કુલ 27 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમાંથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાની પત્ની અને ભાભીના નામે લીધેલી કરોડોની લોનમાં ગેરેન્ટર તરીકેની ભૂમિકા ભજવી હતી. જ્યાં ધંધાકીય સ્થળ પણ માત્ર કાગળ પર બતાવી બેન્કમાંથી લોન લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી.
ધંધાકીય સ્થળ માત્ર કાગળ પર જ!
સુરતના રિંગરોડ પર આવેલી તામિલનાડુ બેન્ક જોડે વેલ્યુઅર, લોન ગેરેન્ટર, બેન્કના ચીફ મેનેજર સહિત ચાર સ્ટેક હોલ્ડરોએ મળી 16.38 કરોડની છેતરપિંડી આચરી હતી. બેન્કની વિજિલન્સ તપાસમાં આ સમગ્ર લોન કૌભાંડ સામે આવ્યું હતું. તેમાં આ ચારેય શખ્સોએ મળી તમામ બેન્ક લોનધારકોને એનપીએ કરાવડાવી કૌભાંડ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ બેન્ક દ્વારા આર્થિક ગુન્હા નિવારણ શાખા ઇકો શેલમાં નોંધાવવામાં આવી હતી. ઇકો શેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી કુલ 27 લોકો વિરુદ્ધ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રાકેશ ભીમાણી નામના શખ્સે 2.50 કરોડની લોન પોતાના ભાભી અને પત્નીના નામે લીધી હતી. લોન લેવા માટે બતાવવામાં આવેલું ધંધાકીય સ્થળ પણ માત્ર કાગળ પર હતું. ત્યારે ભાભી અને પત્નીના નામે લેવામાં આવેલી કરોડોની લોનમાં રાકેશ ભીમાણીએ લોન ગેરેન્ટર તરીકે સહી કરી હતી.
ઇકો શેલ દ્વારા આગળની તપાસ હાથ ધરી
આ ઉપરાંત જાતે પણ ખોટા પુરાવા રજૂ કરી 90 લાખની લોન ઉપાડી હતી. આમ, 27 લોનધારકો પૈકી રાકેશ ભીમાણી નામના આરોપીની ધરપકડ કરી હતી અને આગળની તપાસ ઇકો શેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. જો કે, પોલીસે તપાસ કરતા આ કેસમાં થોડાં દિવસ પહેલાં અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ સમગ્ર મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઈને લઈને પોલીસે કડકાઈથી તપાસ શરૂ કરતાં હવે બાકી રહેલા આરોપીઓ ભાગી રહ્યા છે.