કિર્તેશ પટેલ/ પ્રગ્નેશ વ્યાસ, સુરત : સાધિકા દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઇને આજે સુરતની સેસન્શ કોર્ટ તરફથી સજાની સુનાવણી કરવામાં આવી રહી છે. સજાની સુનાવણી માટે નારાયણ સાંઇને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે લાજપોર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટ રૂમમાં નારાયણ સાંઇના વકીલ અને સરકાર વકીલ વચ્ચે ધારદાર દલીલો થઈ હતી. આ દરમિયાન નારાયણ સાંઇએ ચાલુ દલીલો વચ્ચે એક પત્ર લખ્યો છે.
નારાયણ સાંઇએ લખ્યો પત્ર
નારાયણ સાંઇ તરફથી તેના વકીલે તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી. સાંઇના વકીલની દલીલ હતી કે સાંઇએ પાંચ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હોવાથી તેને ઓછોમાં ઓછી સજા થવી જોઈએ. દલીલો વચ્ચે નારાયણ સાંઇને કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. સાંઇએ કાગળમાં લખ્યું હતું કે તેને દોષિત જાહેર કરવાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવામાં આવે.
નારાયણ સાંઈ સામે કઈ કઈ કલમો લગાવવામાં આવી?
સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 C, 377, 354, 323, 504, 506, 120 B, અને 114 લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ 120 પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે.
પાંચને દોષિત જાહેર કરાયા
આ કેસમાં કુલ 11 આરોપી સામે કેસ ચાલ્યો હતો. જેમાંથી કોર્ટે પાંચને દોષિત જાહેર કર્યા હતા, તેમજ બાકીના આરોપીઓને નિર્દોષ થોડી દીધા હતા.