કિર્તેશ પટેલ/ પ્રગ્નેશ વ્યાસ, સુરત : બહુ ચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પ્રતાપદાન ગઢવીએ આજે ચુકાદો આપ્યો હતો. કોર્ટે નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય બદલ દોષિત જાહેર કર્યો છે. આ કેસમાં સજાની સુનાવણી 30મી એપ્રિલના રોજ કરવામાં આવશે.
કેસ અંગે વિગત આપતા સરકારી વકીલ જણાવ્યું હતું કે, સુરતના બહુચર્ચિત કેસમાં નારાયણ સાંઈને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં સાંઈ ઉપરાંત તેના મદદગાર ગંગા, જમના, હનુમાન અને રાજકુમાર મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી 53 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે 43 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હજારો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.
આ કેસની ફરિયાદ તત્કાલીન ડીસીપી શોભા ભૂતડાએ લીધી હતી. જ્યારે તત્કાલિન કમિશ્નર રાકેશ અસ્થાનાની દેખરેખ હેઠળ એ.આર. મુનશી અને મુકેશ પટેલે આ કેસની તપાસ કરી હતી. કોર્ટે નારાયણ સાંઈને બળાત્કાર અને અપ્રાકૃતિક કૃત્યના ગુનામાં દોષિત જાહેર કર્યો છે.
સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 C, 377, 354, 323, 504, 506, 120 B, અને 114 લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ 120 પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે.
પાંચને દોષિત જાહેર કરાયા
આ કેસમાં કુલ 11 આરોપી સામે કેસ ચાલ્યો હતો. જેમાંથી કોર્ટે પાંચને દોષિત જાહેર કર્યા હતા, તેમજ બાકીના આરોપીઓને નિર્દોષ થોડી દીધા હતા.
રાજકુમાર મલ્હોત્રા પર શું આરોપ?
સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ સામે જ્યારે બળાત્કારની ફરિયાદ આપી હતી ત્યારે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ સમયે રાજકુમાર મલ્હોત્રા ડ્રાઇવર તરીકે સતત તેની સાથે રહ્યો હતો.
ગંગા જમનાનો રોલ શું હતો?
ગંગા અને જમના નારાયણ સાંઈની મુખ્ય મદદગાર હતી. બંને સામે પણ મુખ્ય આરોપી સાંઈ જેટલો જ ગુનો લાગશે. નારાયણ સાંઈ જે યુવતીને પસંદ કરતો તેનું બ્રેઇનવોશ કરવાનું કામ ગંગા અને જમના કરતી હતી. એટલું જ નારાયણ સાંઈ સામે ફરિયાદ આપનારી પીડિત યુવતી જ્યારે પોતાના ઘરે જવા માંગતી હતી ત્યારે ગંગા અને જમનાએ તેને રૂમમાં પૂરી દીધી હતી, તેમજ માર માર્યો હતો.
હનુમાન સામે શું આરોપ?
હનુમાન નારાયણ સાંઈનો મુખ્ય મદદગાર હતો. બનાવના દિવસે હનુમાન પીડિતાને આશ્રમના દરવાજાથી નારાયણ સાંઈની કુટિર સુધી લઈ ગયો હતો. હનુમાન છેક સુધી નારાયણ સાંઈની સાથે હતો. તે સાંઈના મદદગાર તરીકે કામ કરતો હતો.
આ કેસમાં નેહા દિવાન અને અજય દિવાનને કોર્ટે છોડી મૂક્યા છે. નારાયણ સાંઈ જે ગાડીમાંથી મળ્યો હતો તે નેહા અને અજય દિવાનના નામે નોંધાયેલી હતી.