પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ જહાંગીરપુરા સ્થિ આશ્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ આચરવાનો કેસ આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે ચાલી રહ્યો છે. આ કેસને નબળો પાડવા સરકારી અધિકારીઓને નારાયણ સાંઇ દ્વારા કરોડોની લાંચ આપવાનો કેસ નોંધાય હતો. આ કેસમાં સુનાવણી પૂર્ણ થતા આજે શુક્રવારે નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, આજની સુનાવણીમાં જજમેન્ટ માટે કાર્યવાહીના અંતે આ કેસની આગામી 26 એપ્રિલે મુદ્દત પડી છે. જેના પગલે હવે 26મી તારીખે ચુકાદો આવે તેવી સંભાવના સુત્રો સેવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરા ખાતે આશ્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં સુનાવણી પૂર્ણ થતા આજે શુક્રવારે સુરત સેશન્સ કોર્ટમાં નારાયણ સાંઈને રજૂ કરવામાં આવ્યો હતો. અને દુષ્કર્મ કેસને ઢીલો પાડવા સરકારી અધિકારીઓને નારાયણ સાંઈ દ્વારા કરોડોની લાંચ આપવાના કેસ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે, કોર્ટમાં જજમેન્ટ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી. અને 26 એપ્રિલ તારીખ આપવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, નારાયણ સાંઈ કેસમાં તમામ સાક્ષીઓ અને સાહેદોની સમગ્ર કેસમાં જુબાની લેવામાં આવી હતી. નારાયણ સાંઈએ દુષ્કર્મ કેસમાં લાંચ આપવાના પ્રયાસ કર્યા હતા જેમાં હવે ફક્ત ચુકાદો બાકી છે. હવે કેસની ચૂકાદાની પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. કોર્ટમાંથી નારાયણ સાંઇને પાછો જેલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, કોર્ટ પરિસરમાં નારાયણ સાંઇએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. સાધિકા સાથે દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઇ છેલ્લા પાંચ વર્ષથી જેલની હવા ખાઇ રહ્યો છે.