કિર્તેશ પટેલ, સુરત : સુરતના બહુચર્ચિત સાધિકા દુષ્કર્મ કેસમાં લાજપોર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા નારાયણ સાંઈને જેલનાં કોટનનાં કપડાને બદલે જેલમાં ધોતી કુર્તા પહેરવા અને વર્ગ 1નાં કેદીનો દરજ્જો મેળવવા અરજી કરીને દાદ માંગી છે. જેની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો આગામી 27મી જુલાઈ સુધી મુલત્વી રાખ્યો છે.
સાધિકા દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા પામેલા નારાયણ સાંઈએ બંદીવાનના કાયદાની કલમ 17(1)27 મુજબ તથા બંધારણના આર્ટીકલ 10(2) મુજબ વર્ગન-1ના કેદીઓનો દરજ્જો મેળવવા માંગ કરી છે. હાલમાં પાકા કામના કેદી તરીકે નારાયણ સાંઈને કોટનના કપડા પહેરવા માટે આપે છે. તેમણે અરજીમાં કહ્યું છે કે સુરતમાં ગરમીનો પારો 40 ડીગ્રી થઇ જતા જેલના કોટનના કપડાથી ચામડીની એલર્જી થઇ જાય છે. જેથી શરીરમાં ખંજવાળ તથા ફોલ્લી નીકળી આવે છે. જેને ધ્યાનમાં રાખીને સાંઈએ જેલના કોટનના કપડાને બદલે સાધુ સંતનો પોષાક તરીકે ધોતી કુર્તા પહેરવાની છુટ આપવા પરવાનગી માંગી છે.
આ ઉપરાંત નારાયણ સાંઈએ દેશ વિદેશમાં આશ્રમોમાં ગરીબોને શિક્ષણ, દિવ્યાંગો તથા વૃધ્ધાશ્રમ સહિત યુવાનોમાં વ્યસન મુક્તિ તથા આર્યુવેદિક દવા બનાવીને સમાજ કલ્યાણના કામો કરે છે. જેથી નારાયણ સાંઈએ વર્ગ-1ના કેદી તરીકેના દરજ્જો મેળવવા તથા પોતાના ખર્ચે ધોતી કુર્તા પહેરવા દેવાની પરવાનગી માંગી છે.
જેના વિરોધમાં સરકારપક્ષે ખાસ સરકારી વકીલ પી.એન.પરમારે જેલ મેન્યુઅલ તથા કાનુની જોગવાઈનો હવાલો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોટનના કપડા દેશના વાતાવરણ માટે યોગ્ય છે. આ સાથે સંબંધિત કોર્ટે સજાના ચુકાદામાં વર્ગ-1ના કેદી તરીકેનો દરજ્જો આપવા અંગે ઉલ્લેખ કર્યો હોવો જોઈએ. આમ કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો 27મી જુલાઈ સુધી મુલતવી રાખ્યો છે.