સુરતઃ પ્રેમીએ મુંબઈની બાર ડાન્સરની કરેલી હત્યા કેસમાં નવો ફણગો ફૂટ્યો છે. તપાસમાં એવો ખુલાસો થયો છે કે, હત્યાના એક દિવસ પહેલા જ બાર ડાન્સરને તેના ખૂની પ્રેમીએ ચાર લાખનું શોપિંગ કરાવ્યું હતું. પ્રેમી પ્રિતેશની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેણે પ્રેમિકા જ્યોતિ માટે ચાર લાખનું શોપિંગ કર્યું હતું.
પ્રિતેશને બાર ડાન્સર સાથે થયો હતો પ્રેમ
સુરતના કામરેજના તાલુકાના ટીંબા ગામના યુવાન પ્રિતેશ પટેલની મુલાકાત બે વર્ષ પહેલા મુંબઇમાં જ્યોતિ નામની બાર ડાન્સર સાથે થઈ હતી. પ્રિતેશ મુંબઈ જતો ત્યારે જ્યોતિને મળતો હતો. અવાર નવારની મુલાકાત બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રિતેશે જ્યોતિને બાર ડાન્સરનો ધંધો છોડીને પંજાબ તેના ઘરે ચાલ્યા જવાનું કહ્યું હતું. એવી પણ વિગતો સામે આવી છે કે પ્રિતેશ પટેલ પ્રેમિકા જ્યોતિને કરોડથી વધુનો ખર્ચ કરી ઘર પણ લઇ આપ્યું હતું. સમય જતા પ્રિતેશને ખબર પડી હતી કે જ્યોતિ અન્ય એક યુવકના પણ સંપર્કમાં છે. જેને લઈને બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા. જોકે, જ્યોતિએ અન્ય યુવક સાથે પોતાના સંબંધ ચાલુ જ રાખ્યા હતા.
પ્રિતેશના જન્મદિવસે આવી હતી સુરત
બાર ડાન્સરનો ધંધો છોડ્યા બાદ પંજાબ રહેતી જ્યોતિ પ્રિતેશનો જન્મ દિવસ હોવાથી સુરત આવી હતી. પહેલી જાન્યુઆરીના રોજ એટલે કે જ્યોતિની હત્યાના એક દિવસ પહેલા પ્રિતેશે તેના માટે ચાર લાખનું શોપિંગ કર્યું હતું. બીજી જાન્યુઆરીના દિવસે એટલે કે હત્યાના દિવસે જ્યોતિએ પ્રિતેશને રૂપિયાની જરૂર હોવાની વાત કરી હતી. આ વખતે પ્રિતેશે ટીંબા ગામ જઈને રૂપિયા આપવાની વાત કરી હતી. બાદમાં પ્રિતેશ તેને તેના ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં દાતરડાથી તેનું માથું વાઢીને હત્યા કરી નાખી હતી.