સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં એક શખસ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો હતો. જેને પોલીસે બતમીના આધારે ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી છે. આ સાથે જ તેની પાસે રહેલો એમડી ડ્રગ્સનો જથ્થો, બે મોબાઈલ, એક મોપેડ સહિત રોકડા રૂપિયા કબ્જે કરવામાં આવ્યા હતા અને ડ્રગ્સ મોકલનાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ
સુરત પોલીસ કમિશનર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ નેમ હેઠળ પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ ફાર્મની સામે એક આરોપી એમડી ડ્રગ્સ લઈને જઇ રહ્યો છે તેવી પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે એક શખસને પકડી પાડ્યો હતો અને પોલીસમથક લાવી તપાસ કરતા તેની પાસેથી 0.960 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું.
આ ડ્રગ્સ મળતા આરોપી પાસેથી બે મોબાઈલ, એક મોપેડ અને રોકડા રૂપિયા સહિત 90 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પકડાયેલો આરોપી અતીત મકવાણા વસીમ ઉર્ફે સાહિલ ઉર્ફે નીપલ મુસ્તાક મિર્ઝા પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. આ આરોપીને સરથાણા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
છેલ્લા ઘણાં વર્ષોથી ડ્રગ્સનું દૂષણ વધ્યું
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી સુરત શહેરમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે અને સતત ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. ત્યારે આવી પ્રવૃત્તિને ડામવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. યુવાધનને બરબાદ કરવા એક ચોક્કસ પ્રકારના શખસો એમડી ડ્રગ્સ શહેરમાં લાવી રહ્યા છે. જો કે, પોલીસ આવી તમામ કોશિશોને નાકામ કરવામાં સફળ રહી છે.