સુરત: ભારતમાં લમ્પી વાયરસ (lumpy virus)નો પ્રથમ કેસ 19 નવેમ્બર 2019માં ઓરીસામાં નોંધાયો હતો અને પછી ધીમે-ધીમે બીજા રાજ્યોમાં ફેલાયો છે. હાલ ગુજરાત (gujarat)માં પણ તેનો કહેર વધી રહ્યો છે. તેના કારણે દૂધ ઉત્પાદન ઘટી રહ્યું છે.
પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને લઈને પશુપાલકો ખૂબ જ ચિંતામાં છે, ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ લમ્પી વાયરસને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરતની સુમુલ ડેરીની 80 ડોક્ટરોની ટીમ 500 કરતાં વધારે વોલેન્ટિયર્સ (volunteers) સાથે સુરત તેમજ તાપીના 6 લાખ જેટલા પશુપાલકોના પશુઓ માટે રસીકરણની કામગીરી શરૂ કરી રહી છે.
સુમુલ ડેરીના ડિરેકટર જયેશ પટેલે જણાવ્યું કે, લમ્પી વાયરસને લઇને સુરતની સુમુલ ડેરીએ એક વર્ષ પહેલા જ 1.60 લાખ જેટલી રસીની ખરીદી કરી હતી અને તેમાંથી 1.30 લાખ જેટલી રસી પશુઓને આપવામાં આવી છે. સુમુલ ડેરીના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લઈને પશુઓમાં લમ્પી વાયરસ ખૂબ જ ઓછો દેખાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં સુરત અને તાપી જિલ્લામાં માત્ર બે જેટલા જ કેસ લંપી વાયરસના સામે આવ્યા છે.