સુરતઃ શહેરની BAPS હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલા 53 વર્ષીય મહિલાના અંગોનું દાન કરતા પાંચ લોકોને નવજીવન મળ્યું છે. મૂળ બનાસકાંઠાના મહિલા પુત્રને ત્યાં સુરત આવ્યા હતા ત્યારે ખેંચ આવતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડોક્ટરે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારે પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.
16 જાન્યુઆરીએ મહિલાને બ્રેઇનડેડ જાહેર કર્યા
મૂળ બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતા ઉષાબેન સુરતમાં ચાર્ટેડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરતા તેમના પુત્ર મુકેશને ત્યાં છેલ્લા એક મહિનાથી રહેવા આવ્યા હતા. ત્યારે 11 જાન્યુઆરીએ સવારે 4 વાગ્યાની આસપાસ ઉષાબેનને ખેંચ આવતા ઊલટી થઈ હતી. ત્યારે પરિવારજનોએ તાત્કાલિક તેમને BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારબાદ ડોક્ટરે નસનું ક્લિપિંગ કર્યુ હતું. અંતે 16 જાન્યુઆરીના દિવસે ડોક્ટરે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા.
ત્યારબાદ પરિવારે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. ડોનેટ લાઇફના માધ્યમથી ઉષાબેનની કિડની, લિવર અને આંખોનું દાન કર્યું હતું. તેમાંથી પાંચ લોકોને નવજીવન મળ્યું હતું. લિવરને ઝડપથી BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલથી કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડોક્ટર સાથે મળી મૃતકના પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા હતા. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા જ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પીટલને અને બંને કિડની અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. જ્યારે આંખો લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકારી હતી.
અનેક સુરતીઓએ અંગદાન કર્યુ
તેમાંથી લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જૂનાગઢના રહેવાસી 40 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. જ્યારે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે. સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1069 અંગો અને ટીસ્યૂઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 448 કિડની, 192 લિવર, 8 પેન્ક્રીઆસ, 43 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 348 ચક્ષુઓના દાનથી કુલ 982 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મળી છે.