સુરત: સુરત શહેરમાં આપઘાત (Surat suicide case)નો વધુ એક બનાવ બન્યો છે. આ વખતે ધોરણ-10ના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા વિદ્યાર્થીએ એક સુસાઇટ નોટ (Suicide case) પણ લખી છે. એવી પણ વિગત સામે આવી છે કે વિદ્યાર્થીના કાકાએ તેને ઠપકો આપ્યો હતો. વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સાથે વિદ્યાર્થીએ એવું પણ લખ્યું છે કે કાકાએ જે શંકા વ્યક્ત કરી છે તે ખોટી છે. સૂત્રોનું કહેવું છે કે વિદ્યાર્થીએ તેના કાકીને ફોન કર્યો હતો. આ વાતને લઈને કાકાએ અમુક શંકા-કુશંકા કરી હતી. જે બાદમાં કાકાએ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો.
વિદ્યાર્થીનો આપઘાત
મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં માતાપિતા સાથે રહેતા 16 વર્ષના મૌનિકે (Maunik) આપઘાત કર્યો છે. મૌનિકે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપી છે. જેનું પરિણામ આવવાનું બાકી છે. મૌનિકના પિતા દિલીપભાઈ મકવાણા મંદિર બનાવવાનું કામ કરે છે. દિલીપભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાંથી મૌનિકે ઘરના રસોડામાં પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી લીધો છે. પરિવારને સવારે તેમના પુત્રએ આપઘાત કરી લીધાની જાણ થઈ હતી. પોતાના વ્હાલસોયાના આપઘાત બાદ પરિવાર પોલીસને જાણ કરી હતી.
બનાવને પગલે કાપોદ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને તપાસ દરમિયાન ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી હતી. સુસાઇડમાં મૌનિકે કાકીને ફોન કરવા બાબતે કાકાએ ઠપકો આપ્યાની વાત લખી છે. સાથે જ મૌનિકે એવું લખાણ પણ લખ્યું છે કે કાકાને જે શંકા છે તે ખોટી છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં કાકાના ઠપકા બાદ જ સગીરે આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે.
પોલીસે આ મામલે હાલ સુસાઇડ નોટ કબજે લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે. સુસાઇડ નોટમાં કાકાનું નામ હોવાથી પોલીસે તેમની પૂછપરછ કરવાની પણ તૈયારી આદરી છે. આ મામલે હાલ પરિવારે કંઈ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ આ કેસમાં વધુ વિગતો સામે આવી શકશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર