Home /News /surat /જયંતિ ભાનુશાલી કેસઃ પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાશે

જયંતિ ભાનુશાલી કેસઃ પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાશે

જયંતિ ભાનુશાલી

કિર્તેશ પટેલ, સુરત

જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસમાં પીડિત યુવતીનું  સેક્શન 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે. આ અંગે સુરત પોલીસે કરેલી અરજી ચીફ કોર્ટે મંજૂરી કરી છે. હવે પીડિતાનું કોર્ટમાં બંધ બારણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવશે. મળી રહેલી માહિતી પ્રમાણે 16માં એડિશનલ જજ પીડિતાનું નિવેદન લેશે. આ માટે કોર્ટે નિવેદન નોંધવાની તારીખ અને સમય જણાવશે.

જયંતિ ભાનુશાલી પોલીસ પકડથી દૂર

આ કેસમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલી હજી સુધી પોલીસ પકડથી દૂર છે. સુરત પોલીસે બે સમન્સ બજાવ્યા હોવા છતાં તેઓ હાજર થયા નથી. તેઓ ક્યાં છે તેની કોઈ માહિતી પોલીસને મળી નથી. ગુરુવારે સુરતની પોલીસે અમદાવાદ ખાતે આવીને તેમના ઘરે સમન્સ બજાવ્યું હતું. જોકે, તેઓ ઘરેથી મળી આવ્યા ન હતા.

છબિલ પટેલની કથિત ક્લિપ આવી સામે

આ કેસમાં પીડિતાના પૂર્વ પતિએ કચ્છના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપના નેતા છબિલ પટેલનું નામ ઉછાળ્યું હતું. પીડિતાના પૂર્વ પતિના જણાવ્યા પ્રમાણે છબિલ પટેલે તેને પૈસા માટે ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા. જે બાદમાં છબિલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા આ પ્રકરણમાં તેમને ફસાવવામાં આવી રહ્યાની વાત કરી હતી. બીજી તરફ છબિલ પટેલની એક વકીલ સાથે વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. 18 મિનિટની આ ઓડિયો ક્લિપમાં છબિલ પટેલ એવું જણાવી રહ્યા છે કે જો જયંતિ ભાનુશાલી રાજકારણમાંથી સંન્યાસ લેવા તૈયાર હોય તો તેઓએ તેમની સાથે બેઠક કરવા તૈયાર છે.

યુવતીનો પૂર્વ પતિ આવ્યો સામે

અત્યાર સુધી જયંતિ ભાનુશાલી કેસમાં અનેક વળાંકો આવ્યા છે. થોડા દિવસ પહેલા આ કેસમાં પીડિતાને પૂર્વ પતિ સામે આવ્યો હતો. તેના પૂર્વ પતિએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ કરીને યુવતીના ચારિત્ર્ય અંગે અનેક આક્ષેપ કર્યા હતા. તેના જણાવ્યા પ્રમાણે તેની પૂર્વ પત્નીએ અનેક લોકોને ફસાવ્યા છે.

પીડિતાએ પોલીસ પર લગાવ્યો આરોપ

પૂર્વ પતિ બાદ પીડિતાએ પણ પત્રકાર પરિષદ યોજીને તેના પર લાગેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું. સાથે જ પીડિતાએ પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, મેં ફરિયાદ કરી હોવા છતાં મને ન્યાય નથી મળી રહ્યો. પોલીસ જયંતિ ભાનુશાલીને બચાવવા માટે કામ કરી રહી છે.
First published:

Tags: IPC, Jayanti Bhanushali, Statement, Surat Court, છોકરી, સુરત