Nidhi Jani, Surat: સુરતમાં સૌ પ્રથમ વખત મહાવીર હોસ્પિટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ (Heart transplant) કરવામાં આવ્યું છે.પુનાના 28 વર્ષીય યુવકનું ડી.વાય.પાટીલ હોસ્પિટલ, પીંપરી, પૂનામાં બ્રેઈન હેમરેજને કારણે બ્રેનડેડ જાહેર થતા તેના પરિવારજનોએ કિડની, લિવર, હૃદય, ફેફસાં અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય કર્યો. આ યુવકનું હૃદય છોટા ઉદેપુરના રહેવાસી 35 વર્ષીય યુવાનમાં ડો.અન્વય મુલે, ડો.જગદીશ માંગે, ડો.સંદીપ સિંહા, ડો.રોહિત શેટ્ટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ યુવકનું હ્રદય ચાર્ટર વિમાન મારફત 120 મીનીટમાં સુરત પહોંચાડવામાં આવ્યું.હૃદયને સમયસર સુરત પહોંચાડવામાં માટે પૂના અને સુરત પોલીસના સહકારાથી ગ્રીન કોરીડોર બનાવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદયના દાનની શરૂઆત ડિસેમ્બરે 2015 મા સુરતથી થઇ હતી, જગદીશભાઈ પટેલ નામના 57 વર્ષીય બ્રેનડેડ વ્યક્તિનું હૃદયનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી મહાવીર હોસ્પીટલથી કરવામા આવ્યું હતું અને તેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલમાં ડો.અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં અત્યાર સુધી ૬૫ હ્રદયના દાન થયા છે જેમાંથી 40 હ્રદયના દાન સુરતથી ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી થયા છે, જેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના જુદા જુદા શહેરો જેવા કે મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, ઇન્દોર અને અમદાવાદની હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ થયા છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલ હ્રદય યુ.એ.ઇ., યુક્રેન અને રશિયાના નાગરિકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
સુરત ધીમે ધીમે પરંતુ મક્કમતાથી મેડીકલ હબ બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યું છે. 2021થી સુરતમાં કિરણ હોસ્પીટલમાં કેડેવરીક કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ, 2021માં કિરણ હોસ્પીટલમાં કેડેવરીક લિવર ટ્રાન્સપ્લાન્ટ અને હવે 2022માં મહાવીર હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થવાને કારણે સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ માટે દેશના વિવિધ શહેરોમાં જવું પડતું હતું. પરંતુ હવે સુરતમાં વિવિધ અવયવોના ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે દેશના ખ્યાતનામ ટ્રાન્સપ્લાન્ટ સર્જનો હવે સુરતમાં આવીને ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે જેનો લાભ સુરત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના દર્દીઓને થઇ રહ્યો છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1023 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 430 કિડની, 183 લિવર, 8 પેન્ક્રીઆસ, 40હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 332 ચક્ષુઓના દાનથી કુલ 936 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.