Home /News /surat /સુરત શહેરમાં સાયબર ક્રાઈમના કેસમાં વધારો, ખાનગી કંપની સાથે થઈ છેતરપિંડી
સુરત શહેરમાં સાયબર ક્રાઈમના કેસમાં વધારો, ખાનગી કંપની સાથે થઈ છેતરપિંડી
સાયબર ક્રાઈમના કેસમાં વધારો
Surat Cyber Crime Case: એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવીને કેટલાક ઈસમોએ કંપનીની મંજૂરી વગર 2648 જેટલા પાર્સલો કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયા હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો.
સુરત: સુરત શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. જેમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવીને કેટલાક ઈસમોએ કંપનીની મંજૂરી વગર 2648 જેટલા પાર્સલો કંપનીની સિસ્ટમમાં ડિલિવરી થઈ ગયા હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હતો. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ મળતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધકી છે.
કંપનીના ID પાસવર્ડ મેળવી છેતરપિંડી આચરી
સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક્સપ્રેસ બીજ બિઝીલ લોજિસ્ટિક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, 6/7/2022થી 9/7/2022 દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા માટે ગમે તે રીતે કંપનીની સિસ્ટમના ID પાસવર્ડ મેળવી લીધા હતા. કંપનીની મંજૂરી વગર જ કંપનીમાં આવેલા મીસો કંપનીના 2,648 જેટલા પાર્સલો કંપનીએ ગ્રાહકને ડીલીવર કરી દીધા હોવાનું બતાવીને કંપની સાથે છેતરપિંડી પણ કરવામાં આવી હતી.
આ મામલે ફરિયાદના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે પ્રણવ કુમાર પરીડા અને રવિ કાછડીયા નામના બે ઈસમોની ધરપકડ કરી છે. જેમાં પ્રણવ કુમાર મૂળ ઓડિશા ગંજામનો રહેવાસી છે અને અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા જલારામ નગરમાં રહે છે. તે ઓનલાઈનના ધંધા સાથે સંકળાયેલો છે.
આ સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલ બીજો આરોપી રવિ કાછડીયા મૂળ અમરેલી મોણપુરનો રહેવાસી છે અને તે હાલ સુરતના પુણા ગામમાં શાંતિનગર સોસાયટીમાં રહે છે. આ આરોપી પણ ઓનલાઇનના વેપાર સાથે સંકળાયેલો છે. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત મિસો કંપની પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે. તો પોલીસની પૂછપરછમાં વધુ કોઈ નવા ખુલાસા થાય તો નવાઈ નહીં.