સુરત (Surat)માં છેલ્લા લાંબા સમયથી બેંકોની બહાર અને અંદર ઊભા રહીને રૂપિયા ઉપાડવા ગયેલા લોકોને ટાર્ગેટ (Bank Fraud) કરતી એક ગેંગ સક્રિય થઇ હોવાની વિગતો પોલીસ (Surat Police)ને મળી હતી. ગડ્ડી ગેંગના માણસો લોકોને વાતોમાં ભોળવી રોકડની છેતરપિંડી કરતા હતા. જોકે આ મામલે સુરતની ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) પોલીસને ગડ્ડી ગેંગના બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેથી એટીએમમાં તથા બેંકમાં થયેલી ચોરી-લૂંટ કે છેતરપિંડીના કેસ ઉકેલાય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકની બહાર-અંદર ઉભા રહીને રૂપિયા ઉપાડનારાને ટાર્ગેટ કરી વાતોમાં ભોળવીને રોકડની છેતરપિંડી તથા આંચકીને લૂંટ ચલાવનારી ગડ્ડી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગડ્ડી ગેંગના બે સાગરિતોને ઝડપી લીધા છે. મહિધરપુરા કોટસફિલ રોડ ઉપર આવેલ કેનેરા બેંકમાંથી પૈસા ઉપાડ કરી જનારનો પીછો કરી ડી.કે.એમ. સર્કલ કણબી શેરી પાસે પાછળથી લાત મારી હતી. જે બાદ મોટર સાયકલ ઉભા રાખી એક ઇસમે પકડી રાખ્યો હતો. અને બીજા ઇસમે પેન્ટના ખીસ્સામાંથી રોકડા રૂપિયા 50000નું બંડલ આંચકી મોપેડ ઉપર નાસી ગયા હતાં. જોકે આ ઘટનાને જાણ થતાં જ પોલીસે તાત્કાલિક આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે ડિંડોલી સાંઇ પોઇન્ટ પાસેથી આરોપી વિષ્ણુદત્ત ઉર્ફે સંજય રામપ્રસાદ શુકલા અને પ્રવિણ રમેશ કોળીને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓની પોલીસે કડકાઇથી પૂછપરછ શરૂ કરી હતી ત્યારે પોતાની મોડસ ઓપરેન્ડીની જાણકારી આપી હતી. જેમાં ગડ્ડી ગેંગના આરોપીઓની લોકોને ખૂબ જ સરળતાથી ફસાવી દેતા હોય છે. શહેરની અલગ-અલગ બેંકોની અંદર તથા બહાર વોચ રાખતા હતા. ત્યાં જ બેંકમાંથી પૈસા ઉપાડી બહાર નીકળતા લોકો સાથે વાતચીત કરી તેઓને ટાર્ગેટ કરતા હતા. અને બાદમાં આરોપીઓ રોકડા રૂપિયાના બંડલ જેવી ગડ્ડી જેમાં ઉપર નીચે ભારતીય ચલણની બે ઓરીજનલ નોટ તેમજ બાકીના કોરા કાગળોની ઓરીજનલ જેવી રૂપિયાની ગડ્ડી બનાવી રૂમાલમાં બાંધી રાખતા હતા.
આરોપીઓ લોકોને રૂપિયાની ગડ્ડી બતાવી લાલચ આપતા હતા કે, તેમની પાસેના રૂપિયા તેમના શેઠે પગાર ન આપતા શેઠની ઓફીસમાંથી ચોરી કરી લાવ્યા છે. લોકોને તેમની પાસેના પુરે પુરા રૂપિયા લઈ લેવા કહેતા અને તેના અડધા પૈસા અમને આપી દો અને અમારા વતન ચાલી જઇએ છીએ. પરંતુ જો ફરીયાદી ના માને અથવા આરોપીઓના જાસામાં ના આવે તો તેઓ ફરિયાદીને મારીને લૂંટી લેતા હતાં.
જોકે પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને ભૂતકાળમાં કેટલી ઘટનામાં સંડોવાયેલા છે અને તેમની ગેગમાં અન્ય કોણ-કોણ છે. તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર